મનાલી લેહ રોડ પર અટલ ટનલના ઉદ્ઘાટન બાદ વાહનો ટનલમાંથી પસાર થઈ રહ્યા છે. (PTI Photo)

ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સાંકેતિક ધમકી આપતાં જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો ચીની સેના ભારતે તાજેતરમાં જ ઊભી કરેલી અટલ ટનલને બરબાદ કરી દેશે. ચીની અખબારે એક સંરક્ષણ વિશેષજ્ઞાને ટાંકતાં આરોપ લગાવ્યા હતા કે જે વિસ્તારમાં ટનલ ઊભી થઇ છે તે ખૂબ જ ઓછી વસતી ધરાવતો વિસ્તાર છે અને ટનલ નિર્માણ માત્ર સૈન્ય હેતુસર થયું છે.

અખબારમાં આગળ કહેવાયું છે કે ‘અટલ સુરંગનો યુદ્ધ સમયે કોઈ ફાયદો થશે નહીં. ચીનની સેના પાસે એવા સાધન છે, જેનાથી આ સુરંગને બેકાર કરી શકાશે. ભારતે સંયમ વર્તવું જોઈએ અને ઉશ્કેરણીથી બચવું જોઈએ.

વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ અટલ ટનલનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. રોહતાંગમાં 9.02 કિમી લાંબી આ ટનલ મનાલીને લાહૌલ સ્ફીતિ સાથે જોડે છે. આ ટનલના કારણે મનાલી અને લાહૌલ સ્ફીતિ ઘાટી આખુ વર્ષ એકબીજા સાથે જોડાયેલા રહેશે. અટલ ટનલ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખુબ મહત્વની છે. ટનલ બનવાના કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી ઘટી ગયું છે. એટલે કે મુસાફરીમાં જે સમય થતો હતો તેમાં ઓછામાં ઓછો 4 થી 5 કલાકનો સમય ઘટી ગયો છે.