કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની અટારી-વાઘા સરહદ ક્રોસિંગ પોઈન્ટ ગુરુવારે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વિઝા ધરાવતા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યા પછી આ બોર્ડર પોઇન્ટ્સ પર છેલ્લી ઘડી સુધી લોકોનો ભારે ધસારો થયો હતો.
અટારી-વાઘા સરહદ દ્વારા કુલ 125 પાકિસ્તાની નાગરિકો ભારતથી રવાના થયાં હતા. તેનાથી છેલ્લા સાત દિવસમાં દેશ છોડીને જતા પાકિસ્તાનીઓની કુલ સંખ્યા 911 થઈ હતી. બુધવારે પાકિસ્તાની વિઝા ધરાવતા 15 ભારતીય નાગરિકો પણ પાકિસ્તાન પહોંચ્યા હતાં, જેનાથી ભારતથી બહાર નીકળનારા ભારતીય લોકોની કુલ સંખ્યા 23 થઈ હતી.
તેવી જ રીતે પંજાબના અમૃતસર જિલ્લાના આ આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસિંગ પોઈન્ટ દ્વારા 152 ભારતીય નાગરિકો અને લાંબા ગાળાના ભારતીય વિઝા ધરાવતા 73 પાકિસ્તાનીઓ ભારતમાં પ્રવેશ્યાં હતા. જેનાથી આવા લોકોની કુલ સંખ્યા અનુક્રમે 1,617 અને 224 થઈ હતી.
કાશ્મીરના પહેલગામમાં હુમલા પછી કેન્દ્રે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની નોટિસ આપી હતી. સાર્ક વિઝા ધરાવતા લોકો માટે ભારત છોડવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ હતી. મેડિકલ વિઝા ધરાવતા લોકો માટેની અંતિમ તારીખ 29 એપ્રિલ હતી. 12 અન્ય શ્રેણીના વિઝા માટેની અંતિમ તારીખ 27 એપ્રિલ હતી.જોકે લાંબા ગાળાના, રાજદ્વારી અથવા સત્તાવાર વિઝા ધરાવતા લોકોને ‘ભારત છોડવાના આદેશમાંથી મુક્તિ અપાઈ હતી.
