(ANI Photo/Shrikant Singh)
જેમ ફિલ્મોમાં હીરો-હીરોઇન ક્યાંક અચાનક મળે છે અને તેમના વચ્ચે પ્રેમ પાંગરે છે તેમ, રીઅલ લાઇફમાં પણ કેટલાક એવા ફિલ્મી કલાકારો છે કે જેમના વચ્ચે આવી જ રીતે પ્રેમ થયો હતો અને પછી તેમણે લગ્ન કરીને સંસાર શરૂ કર્યો હોય. અહીં એવા કેટલાક દંપત્તીઓની કહાની રજૂ કરવામાં આવી છે જેઓ ફિલ્મનાં સેટ પર સાથે કામ કરતા હતા ત્યારે એકબીજાથી આકર્ષાયા અને પછી લગ્ન કરીને ઠરીઠામ થયા.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
આલિયા અને રણબીરની પ્રેમ કહાનીની શરૂઆત બ્રહ્માસ્ત્રનાં સેટ પર થઈ હતી. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન જ રણબીરે આલિયાને પ્રસ્તાવ મુક્યો હતો. પણ તે માત્ર 11 વર્ષની હતી ત્યારે રણબીરને પ્રથમવાર મળી હતી. આલિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મેં ફિલ્મ બ્લેક (2005)માં ઓડિશન આપ્યું હતું, ત્યારથી મને રણબીર પર ક્રશ હતો અને હું રણબીરની તસવીરો વારંવાર નિહાળતી હતી. અનેક વર્ષો સુધી ડેટ કર્યા બાદ 2022માં બંને લગ્ન કરી લીધાં. તેમને રાહા નામની દીકરી પણ છે. આલિયા અને રણબીર વચ્ચે ઉંમરમાં મોટો તફાવત છે.
કરીના અને સૈફ અલી ખાન
બોલીવૂડ ફેમિલીમાંથી આવતા અને પાવર કપલ તરીકે જાણીતા સૈફ અને કરીના પહેલેથી એકબીજાને જાણતા હોય તે સ્વાભાવિક છે. બહેન કરિશ્માની ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન કરીના પણ ત્યાં જતી હોવાથી સૈફ ત્યારથી તેને ઓળખે છે. એક વાર સૈફે કહ્યું હતું કે, તે એ સમયથી કરીનાનાં સૌંદર્ય પર આફરીન હતો. જોકે, ફિલ્મ ટશન (2008)નાં સેટ પર તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. પછી સૈફે અમૃતા સિંઘ સાથે છૂટાછેડા લઇને કરીના સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનો પણ છે.
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડી (1999)નાં સેટ પર ડેટિંગ શરૂ કર્યું હતું. ટ્વિન્કલે એક મુલાકાતમાં કબૂલ્યું હતું કે, તેને અક્ષયમાં રસ પડી ગયો. તે અક્ષયને ‘છ ફુટનો ચોકલેટ આઇસક્રીમ’ કહેતી હતી. તેમણે 2001માં લગ્ન કર્યા હતા અને તેમને આરવ અને નિતારા નામના સંતાનો છે. ટ્વિન્કલ કરતા અક્ષયકુમારની ઉંમર ઘણી વધુ છે.
અજય દેવગણ અને કાજોલ
અજય-કાજોલ બંને ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ફિલ્મ હલચલ (1995)ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને ડેટિંગ કર્યા બાદ તેમણે 24  ફેબ્રુઆરી, 1999નાં રોજ લગ્ન કરી લીધા. બંનેએ પ્યાર તો હોના હી થા, ઇશ્ક, દિલ ક્યા કરે, રાજુ ચાચા અને યુમી ઔર હમ જેવી ફિલ્મો કરી છે. તેમને બે સંતાનો પણ છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પ્રથમ મુલાકાત ઐશ્વર્યાની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા (1997)નાં શૂટિંગ દરમિયાન થઈ હતી. જોકે, વર્ષ 2000માં ઢાઇ અક્ષર પ્રેમ કેનાં સેટ પર તેમની વચ્ચે મિત્રતા થઈ અને ફિલ્મ ગુરુનાં શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. તેમણે 2007માં લગ્ન કર્યા હતા. જોકે, તેમના લગ્ન અગાઉ અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઇ પણ થઇ હતી અને પછી કોઇ કારણોસર તે તૂટી ગઇ હતી. અભિષેક-ઐશ્વર્યાએ બંટી ઔર બબલી નામની હિટ ફિલ્મ આપી હતી.
રિતેશ- જેનેલિયા
રિતેશ અને જેનેલિયા તેમની પ્રથમ ફિલ્મ તુજે મેરી કસમ (2003)નાં શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. એ વખતે જેનેલિયા લોકપ્રિય મોડલ હતી અને રિતેશના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. તેમણે 2012માં લગ્ન કર્યા અને તેમને રિયાન અને રાહ્યાલ નામના પુત્રો પણ છે.
રણવીર-દિપીકા પદુકોણ
રણવીર અને દીપિકા પદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામલીલા (2013)નાં સેટ પર પ્રેમમાં પડ્યા હતા. બેર ગ્રિલનાં શોમાં રણવીરે ભણસાલીનાં ઘરમાં ફિલ્મની પ્રથમ સ્ક્રિપ્ટ રિડિંગ દરમિયાન દીપિકાની એન્ટ્રીથી કઈ રીતે પ્રભાવિત થઈ ગયો હતો તેનું વર્ણન કર્યું હતું. 2015માં તેમણે સગાઈ કરી અને ત્રણ વર્ષ સુધી તેને ગુપ્ત રાખ્યા પછી 2018માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ વર્ષે તેમને ત્યાં સંતાનનો જન્મ થાય તેવી સંભાવનાઓ છે.

LEAVE A REPLY

12 + 19 =