Surat: Flooded streets and submerged houses after heavy rainfall, at Bhestan in Surat, Friday, Aug 21, 2020. (PTI Photo)(PTI21-08-2020_000158B)

ગુજરાત પર ચોમાસુ વરસાદી સિસ્ટમ પુર્ણપણે સક્રીય હોય તેમ સમગ્ર રાજયમાં મધ્યમતી ભારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતના જીલ્લાઓમાં વિશેષ જોર રહ્યું છે. આ સાથે ગુજરાતમાં સિઝનની સરેરાશનો 100 ટકા વરસાદ થઈ ગયો છે. આજે સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશનો 102.73 ટકા વરસાદ થઈ ગયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના તમામ 33 જીલ્લાના 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 13.50 ઈંચ વરસાદ જામનગર જીલ્લાના જોડીયામાં નોંધાયો છે.

જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઈ હતી. રાજયમાં ચોવીસ કલાકમાં સરેરાશ 67.85 મીમી (પોણા ત્રણ ઈંચ) વરસાદ થયો છે. સિઝનનો સરેરાશ કરતા 102.73 ટકા વરસાદ થઈ ગયો છે. ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં સરેરાશ 831 મીમી વરસાદ થતો હોય છે તેની સરખામણીએ 863.69 મીમી પાણી વરસી ગયુ છે. કચ્છમાં સીઝનની સરેરાશ કરતા 188.04 ટકા, ઉતર ગુજરાતમાં 87.44 ટકા, મધ્ય ગુજરાતમાં 78.98 ટકા, સૌરાષ્ટ્રમાં 134.81 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 90.21 ટકા પાણી વરસી ગયુ છે.

ગુજરાતમાં ઓગષ્ટ મહીનામાં અત્યાર સુધીમાં સરેરાશ 502.79 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સમગ્ર રાજયમાં સાર્વત્રિક વરસાદ થયો હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉતર ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ હતું. ઉતર ગુજરાતના પાટણ, મહેસાણા સહીતના તમામ જીલ્લા જળબંબોળ બન્યા હતા. મહેસાણાના કડીમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે બહુચરાજીમાં 9 ઈંચ, જોટાણામાં 8 ઈંચ, મહેસાણામાં સાત ઈંચ, ઉંઝામાં 5.50 ઈંચ, વિજાપુર-વડનગરમાં 4-4 ઈંચ વરસાદ પડયો હતો.

પાટણ જીલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ હતો. સરસ્વતીમાં 8 ઈંચ, રાધનપુરમાં 6.50 ઈંચ, હરાજી-પાટણમાં 6-6 ઈંચ, ચાણસમા-સંતાલપુર-શંખેશ્વરમાં 4-4 ઈંચ તથા શંખેશ્વરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ભાભર, વડગામમાં 5-5 ઈંચ સહિત સમગ્ર જીલ્લામાં વરસાદ હતો. સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વિજયનગરમાં પડયો હતો. જીલ્લામાં અન્યત્ર ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જીલ્લાના મેઘરજમાં પાંચ ઈંચ તથા અન્યત્ર ચાર ઈઠચ સુધી પાણી વરસ્યુ હતું. ગાંધીનગર જીલ્લામાં સૌથી વધુ પાંચ ઈંચ માણસામાં વરસાદ હતો. કલોલમાં ચાર ઈંચ વરસાદ હતો.

મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક મેઘમહેર હતી. મોટાભાગે પાંચ ઈંચ સુધી મધ્યમ વરસાદ હતો. અમદાવાદ જીલ્લાના વિરમગામમાં ધોધમાર પાંચ ઈંચ, મંડલમાં 4 ઈંચ નોંધાયો હતો. અન્યત્ર ત્રણ ઈંચ સુધી પાણી વરસ્યુ હતું. છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ સહીતના અન્ય જીલ્લાઓમાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવો-ભારે વરસાદ પડયો હતો. સુરત જીલ્લામાં જોર વધુ હતું. ઉમરપાડામાં 10 ઈંચ ખાબકયો હતો. સુરત શહેર સાડા છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ હતું. કામરેજ તથા માંડવીમાં 5-5 ઈંચ વરસાદ હતો.

જીલ્લામાં અન્યત્ર ચાર ઈંચ સુધીનો વરસાદ હતો. ભરૂચ જીલ્લામાં વાલિયા તથા નેત્રંગમાં ચાર-ચાર ઈંચ વરસાદ હતો. નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં પાંચ તથા સાગબારામાં ચાર ઈંચ વરસાદ હતો. નવસારી, વલસાડ, ડાંગ તથા તાપી જીલ્લાઓમાં સર્વત્ર ચાર ઈંચ સુધીનો વરસાદ હતો. રાજયભરમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા હતા. અનેક ડેમો ઓવરફલો થયા હતા. રાજય સરકાર દ્વારા પણ વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે છેલ્લા બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.તેમજ વધારે પડતાં વરસાદથી ઢાંક તેમજ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોમાં જોવા મળે છે. વિંછીયામાં આજે સવારે પુરા થતા ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગઇકાલથી ધીમીધારનો મધુરો મધુરો વરસાદ અવિરત શરૂ જ છે. આજે સોમવારે આ લખાય છે ત્યારે વિંછીયા તથા તાલુકામાં સારો વરસાદ શરૂ છે.સ વાદળો ઘટાટોપ કાળા ડીબાંગ અને અંધારૂ હોય આ વરસાદ રોકાય તેમ લાગતુ નથી.

વરસાદની સાથે વિંછીયા તથા તાલુકા પંથકમાં વીજળીના રૂષણા વધ્યા છે. છેલ્લા 48 કલાકમાં સરધાર તેમજ ઉપરવાસના ભારે વરસાદથી સરધારના તળાવમાં પાણીની ભારે આવક થતા સરધારની જીવાદોરી સમાન તળાવ ઓવરફલો થતાં વર્ષો જૂનો બંધાવેલ જિલ્લાનો તળાવ એક થઇ જતા પાણીની પુષ્કળ આવક થયેલ છે. અત્યારે પણ પાણીની આવક ચાલુ છે. છેલ્લા 48 કલાકમાં આશરે 10 ઇંચ જેટલું પાણી પડી ગયેલ છે. જગતનો તાત અત્યારે મગફળી, કપાસમાં નુકસાન જવાથી ચિંતાતુર થઇ ગયેલ છે. તળાવ જોવા ગામ આખુ ઉમટી પડેલ છે.