પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે નેશનલ એસેમ્બ્લીમાં માહિતી આપી હતી કે ભારતીય-રજિસ્ટર્ડ વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાથી પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA)ને 4.1 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. 22 એપ્રિલે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને ભારતે એકબીજાની એરલાઇન્સ માટે પોતપોતાના હવાઈ ક્ષેત્રો બંધ કર્યાં હતાં.
24 એપ્રિલથી 30 જૂન, 2025 સુધી લેવાયેલા આ પગલાથી પાકિસ્તાનને ભારે નાણાકીય નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન લગભગ 100-150 ભારતીય વિમાનો પ્રભાવિત થયા હતાં.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ રકમ આવકમાં ઘટાડો દર્શાવે છે, પરંતુ એકંદર નાણાકીય નુકસાન નહીં. ઓવરફ્લાઇટ અને એરોનોટિકલ ચાર્જ યથાવત રહ્યા છે.
નાણાકીય નુકસાન થયું હોય તો પણ અમારા માટે દેશની સુરક્ષા સર્વોપરી છે. રસપ્રદ બાબત એ છે કે આ નુકસાન છતાં પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીની કુલ આવક 2019ની $5,08,000થી વધી 2025માં $7,60,000 થઈ હતી.
