બ્રિટિશ એરવેઝની ફલાઇટમાં ઇકોનોમી કલાસમાં ભારતથી યુકેની મુસાફરી કરનાર પ્રવાસીઓ વર્તમાન શિયાળાની સીઝન દરમિયાન પોતાની સાથે ડબલ ચેક ઇન બેગેજ લઇ જઇ શકશે. કંપનીના નિવેદનમાં જણાવ્યા મુજબ હવેથી મુસાફરો વધુમાં વધુ 23-23 કિલોની બે બેગેજ પોતાની સાથે લઇ જઇ શકશે. અત્યાર સુધી આ ફ્લાઇટમાં ઇકોનોમી કલાસમાં 23 કિલો કરતાં વધુ નહીં એવી માત્ર એક જ ચેક ઇન બેગ લઇ જવાની સુવિધા હતી. ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતા તમામ મુસાફરોને શિયાળા દરમિયાન કરાવેલા બૂકીંગમાં તમામ ફલાઇટમાં વધારાના 23-23 કિલોની બે ચેક ઇન બેગ પોતાની સાથે લઇ જવાની ભેટ મળશે તેમ એરવેઝે તેના નિવેદનમાં જણાવ્યું હતું. ભારતમાં કોરોનાના કારણે 23 માર્ચથી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસ બંધ છે. જોકે, મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ અને જુલાઇ મહિનાથી દ્વીપક્ષીય એર બબલ એગ્રીમેન્ટ અંતર્ગત વિવિધ દેશોની એરલાઇન્સને વિશેષ ઇન્ટરનેશનલ ફલાઇટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.