અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર અને આરએસપીને મિડલ ઇસ્ટનો પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઇન્ટીરીયર ડીઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત થયો છે. ૨૫ નવેમ્બરે આયોજિત કોમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઈન એવોર્ડઝ અંતર્ગત આ સન્માન પ્રાપ્ત થયું છે. આ કેટેગરીમાં ઇન્ટિરિયર ડિઝાઈનર્સ દ્વારા પ્રોજેક્ટ માટે પ્રસ્તુત કરાયેલી દૂરદર્શિતાને મહત્ત્વ અપાયું છે. જેમાં શ્રેષ્ઠતા, નાવીન્ય અને વ્યવહારુ ઉપાયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર મિડલ ઇસ્ટમાંથી આવેલી સેંકડો એન્ટ્રીમાંથી પસંદ થયેલી અંતિમ ૧૫ એન્ટ્રીમાંથી અનુકરણીય ડિઝાઈન તરીકે BAPS હિન્દુ મંદિરની ઇન્ટિરિયર ડિઝાઈનની પસંદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરને નિર્માણ પૂર્વે જ દ્વિતીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જેનું નિર્માણ સહિષ્ણુતાના પાટનગર એવા અબુધાબી ખાતે સહસ્રાબ્દિઓમાં અનન્ય તથા વૈશ્વિક સદભાવનાનાં આધ્યાત્મિક રણદ્વીપ સમાન એવો આ વિશાળ પ્રોજેક્ટ કાર્યરત્ છે. વર્ષ-૨૦૧૯માં જ બીએપીએસ હિન્દુ મંદિરને ‘ધ બેસ્ટ મિકેનિકલ ડિઝાઈન’નો એવોર્ડ મિડલ ઈસ્ટના એમઇપી એવોર્ડઝ અંતર્ગત પ્રાપ્ત થયો છે.
આ અંગે મુખ્ય ડિઝાઈનર માઈકલ મેકગિલ અને એન્થની ટેલરે જણાવ્યું હતું કે ‘સાથી વ્યવસાયિક દ્વારા આધુનિક અને પરંપરાગત શૈલીના વિશિષ્ટ સમન્વયની સુંદરતાને પિછાણવી એ ખૂબ જ ઉત્તમ બાબત છે. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ વિચારોને મૂર્તિમંત કરવામાં અદભૂત રીતે મદદ કરી છે.’ આ પ્રતિષ્ઠિત એવોર્ડ અંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ ઇન્ટિરિયર ડિઝાઈનની વિશેષતાઓ જણાવ્યું હતું કે, ‘આ મંદિરની ઇન્ટિરિયર ડિઝાઈન પરંપરાગત એક જ પથ્થરમાંથી નિર્માણ પામતા હિન્દુ મંદિરની શિલ્પ-સ્થાપત્ય શૈલીથી પ્રેરિત છે.’
ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકર ૨૬ નવેમ્બરે અબુ ધાબીની મુલાકાતે હતા. જે અંતર્ગત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી સાથે વિદેશમાં બની રહેલા ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરના મંદિર નિર્માણ અંગે અગત્યની વર્ચ્યૂઅલી બેઠક યોજી કરી હતી. જેમાં બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણકાર્ય અંગે યુએઈ અને ભારતમાં થઈ રહેલા કાર્યોની વિગતે ચર્ચા કરી હતી. જ્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે વર્તમાન પડકારજનક સમયમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અપાર નિષ્ઠા અને દૃઢ સંકલ્પ સાથે મંદિરનું નિર્માણકાર્ય નિરંતર ચાલી રહ્યું છે, તે જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો.