પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એશિયા કપ 2025 અને તે પહેલા રમાનારી UAE ત્રિકોણીયા સીરીઝ માટે 17 સભ્યોની ટી-20 ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ અને મોહમ્મદ રીઝવાનનો આ ટીમમાં સમાવેશ કરાયો નથી. તો ટીમમાં ફખર ઝમાનની વાપસી થઈ છે.
ટીમના સુકાનીપદે ઓલરાઉન્ડર સલમાન આગાની નિમણુંક કરાઈ છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં રમાશે. ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને UAE ભાગ લેશે. આ સીરીઝ 29 ઓગસ્ટથી 07 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે.
બાબર છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો હતો. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરીઝમાં 47, 0 અને 9 રન સાથે તેનો દેખાવ સાવ સાધારણ રહ્યો હતો. રીઝવાનને તાજેતરની બાંગ્લાદેશ અને ઘર આંગણેની વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝમાં પણ તક નહોતી અપાઈ. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં, તેણે પહેલી મેચમાં 53 રન બનાવ્યા હતા, પરંતુ આગામી બે મેચમાં તે ફક્ત 16 અને 0 રન જ બનાવી શક્યો હતો.
પાકિસ્તાની ટીમઃ સલમાન આગા (સુકાની), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબજાદા ફરહાન, સામ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મોકીમ.
