વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે બોલીવૂડમાં પણ હવે એન્ટ્રી મારી છે. બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન (77), તેમના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચ (44)ને શનિવારે મોડી રાત્રે તે બંનેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ આજે અભિષેકનાં અભિનેત્રી પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (46) અને તેમની પુત્રી આરાધ્યા(8) પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જોકે, જયા બચ્ચન (72), તેમની પુત્રી શ્વેતા નંદા અને શ્વેતાના સંતાનો અગસ્ત્ય નંદા તથા નવ્યા નવેલીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બચ્ચન પિતા-પુત્ર મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમનામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા હતા અને તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.

પોતાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બચ્ચન પરિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી અને તેમના બંગલોઝને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. બચ્ચને ટ્વીટર પર જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવી લેવા જોઇએ.

અગાઉ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, રેપિડ ટેસ્ટમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ પછી થયેલા ટેસ્ટમાં માતા-પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં હળવા લક્ષણો જણાયા છે. નવા ટેસ્ટનો રિપોર્ટ એક ખાનગી લેબોરેટરીનો છે અને પછી બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જયા બચ્ચન, શ્વેતા નંદા ઘરે ક્વોરન્ટાઇનમાં રહેશે.
નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ અંસારીએ જણાવ્યું કે, અમિતાભની સ્થિતિ અગાઉ કરતા સારી છે અને તેમનો પ્રારંભિક રિપોર્ટ સંતોષકારક છે. બચ્ચન પરિવારની સંભાળ લેવા માટે સરકારમાં ઉચ્ચ સ્તરેથી આદેશ કરાયા હોવાનું જાણવા મળે છે.

બચ્ચન પરિવાર સુધી કોરોના કેવી પહોંચ્યો તે અંગે લોકોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો કહેવાય છે કે, અભિષેક બચ્ચનના બહાર જવાથી તેમના પરિવારમાં કોરોનાનો પ્રવેશ થયો હશે. કારણકે, તાજેતરમાં અભિષેકની પ્રથમ વેબ સિરિઝ બ્રીધ લોન્ચ થઈ છે, જેના ડબિંગ માટે તેઓ પોતાના જુહુ બંગલા નજીક એક સ્ટુડિયોમાં જતા હતા. અમિતાભ પણ ઘરની બહાર નહોતા જતા અને તેઓ બહારથી આવેલા લોકોને પણ મળતા ન હતા. અન્ય કોઈ સંક્રમિત સંપર્કમાંથી અભિષેક પોઝિટિવ થયા હોય અને પછી અન્ય સભ્યો તેનું સંક્રમણ થયું હોવાની આશંકા છે. હવે તે ડબિંગ સ્ટુડિયોને પણ સીલ કરવામાં આવ્યો છે. નાણવટી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, બચ્ચન પરિવારની તબિયત અંગેનું મેડિકલ બુલેટિન નિયમિત બહાર પાડશે નહીં, જોકે, અમિતાભે ખુદ હોસ્પિટલને કહ્યું હતું કે તેઓ ટ્વીટર પર પોતાની તબિયતનું અપડેટ આપશે.

તો બીજી તરફ અનુપમ ખેરના માતા, ભાઇ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે અનુપમ ખેરનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.