બુધવાર, 22 ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિન્દુ નવા વર્ષની ઉજવણી દરમિયાન, એશિયન મીડિયા ગ્રુપ (AMG) મેનેજમેન્ટ ટીમના સભ્યોને BAPS યુકે અને યુરોપના વડા અને મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય યોગવિવેક સ્વામીજીને મળી તેમના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય મળ્યું હતું.
પૂજ્ય સ્વામીએ ગરવી ગુજરાત અને AMG ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી રમણીકલાલ સોલંકીને પ્રેમથી યાદ કર્યા હતા અને યુકેમાં ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ઉષ્માભરી વાત કરી હતી. તેમણે બ્રિટિશ ડાયસ્પોરામાં ગુજરાતી વારસો, સમુદાય મૂલ્યો, વ્યવસાયિક શ્રેષ્ઠતા અને કલાને પ્રોત્સાહન આપવામાં ગરવી ગુજરાત, ઇસ્ટર્ન આઇ અને અન્ય AMG પ્રકાશનોના સતત યોગદાન બદલ પણ પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂજ્ય સ્વામી જીને ગરવી ગુજરાત, ઇસ્ટર્ન આઇ, એશિયન ટ્રેડર, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75મા જન્મ દિન વિશેષાંક અને દિવાળી અંક ભેટ કરાયા હતા.
પૂજ્ય યોગવિવેક સ્વામીએ સમગ્ર AMG ટીમ અને તેમના પ્રકાશનોને સમુદાયને સતત સફળતા અને સમર્પિત સેવા માટે આશીર્વાદ આપ્યા હતા.
ફોટામાં (ડાબેથી જમણે): જૈમિન કે. સોલંકી (ઇન્વેસ્ટમેન્ટ મેનેજર), આદિત્ય કે. સોલંકી (ચીફ ઓપરેટિંગ ઓફિસર), પૂજ્ય પ્રબુદ્ધ મુનિ સ્વામી (BAPS નીસડન), પૂજ્ય યોગવિવેક સ્વામી, કલ્પેશ આર. સોલંકી (ગ્રુપ મેનેજિંગ એડિટર), શૈલેષ આર. સોલંકી (એક્ઝિક્યુટીવ એડિટર), જયંતિભાઇ સોલંકી (એડવર્ટાઇઝીંગ ડાયરેક્ટર) અને શ્રી રવિ કારિયા નજરે પડે છે.











