ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું BAPS, અબુ ધાબીના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સ્વાગત કર્યું હતું.

યુનાઇટેડ આરબ અમિરાત (UAE) અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, જોકે, કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) પર સહમતી સધાતા બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ સંબંધો અને એકતા મજબૂત બની છે.

જોકે, આ નવા ટ્રેડ એગ્રીમેન્ટને કારણે આર્થિક લાભ વધશે, અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવા છતાં બંને દેશોની એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ ક્યારેય ઘટ્યું નથી.

ફેબ્રુઆરી 2018 માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BAPS હિન્દુ મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારથી, BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સોહાર્દનું પ્રતીક બની ગયું છે અને યુએઇ-ભારતની મિત્રતાની ઓળખ બની ગયું છે.

ત્યારબાદ, અબુધાબીમાં જ્યાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે સ્થળની મુલાકાતે અને પ્રતિષ્ઠિત લોકો આવી રહ્યા છે. તાજેતરમાં ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નેતૃત્ત્વમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો સહિત 17 લોકોના એક પ્રતિનિધિમંડળે આ નિર્માણાધિન મંદિરની મુલાકાત લીધી હતી.

જેમાં ઓમ બિરલાની સાથે યુએઇ ફેડરલ નેશનલ કાઉન્સિલનાં સભ્ય આયેશા મોહમ્મદ અલ મુલ્લા, સુશીલ કુમાર મોદી, રામકુમાર વર્મા, એમ. કે. વિષ્ણુ પ્રસાદ, શંકર લાલવાણી, ડો. સુજય રાધાકૃષ્ણ વિખેપાટીલ, પી. રવિન્દ્રનાથ, ફૌઝિયા તહસીન અહેમદ ખાન અને ઉત્પલ કુમાર સિંહ જોડાયા હતા.

આ પ્રતિનિધિમંડળનું પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમણે ઓમ બિરલાના જમણા હાથના નાડા-છડી બાંધી હતી અને પરંપરાગત અભિવાદન તરીકે ચંદનનું તિલક કર્યું હતું.

પ્રતિનિધિમંડળને અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા નિર્માણકાર્યની માહિતી આપવામાં આવી હતી અને મંદિર પૂર્ણ થયા પછી મુલાકાતીઓને શું જોવા મળશે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રતિનિધિમંડળે સ્થળ પર આયોજિત ‘રિવર્સ ઓફ હાર્મની પ્રદર્શન’ પણ નિહાળ્યું હતું. આ પ્રદર્શન BAPS હિન્દુ મંદિરના સોહાર્દભર્યા હેતુ, ઈતિહાસ અને નિર્માણકાર્ય તથા કોવિડકાળમાં કરવામાં આવેલા રાહત-સેવાકાર્યોને રજૂ કરે છે.

પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સમજાવ્યું હતું કે, ‘આ પરંપરાગત મંદિરનો હેતુ મન અને હૃદયનું સંયોજન કરવાનો છે. તેનાથી માત્ર ભારત અને યુએઇ એકબીજાની નજીક આવ્યા નથી પરંતુ દેશો, સંસ્કૃતિઓ, સમૂદાયો અને ધર્મો એકબીજાથી નજીક આવ્યા છે. વૈશ્વિક સોહાર્દ માટે આ આધ્યાત્મિક ભૂમિની રચના કરવામાં અમે બંને દેશોના લીડર્સના તેમના સહકાર અને પ્રોત્સાહન માટે આભારી છીએ.’

જ્યારે ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, ‘અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સોહાર્દનું એક આદર્શ ઉદાહરણ છે. તે મંદિર કરતાં વધુ છે, આ એક ખરેખર આધ્યાત્મિકતા, સૌંદર્ય અને વૈશ્વિકતાની ભૂમિ છે. સેંકડો વર્ષોથી UAE ના શાસકો અને ભારતના લીડર્સની ઉદારતા અને અખંડિતતાની ઉજવણી આવનારી પેઢીઓ દ્વારા કરવામાં આવશે. હું પ્રમુખસ્વામી, BAPSના સંતો, સ્વયંસેવકો અને સોહાર્દની આ નિઃસ્વાર્થ ગાથા સાથે સંકળાયેલા શ્રમિકોને અભિનંદન આપું છું. આ ભારત અને સમગ્ર વિશ્વના ભારતીયો માટે ખૂબ જ ગર્વની બાબત છે.’ મુલાકાત પછી પ્રતિનિધિમંડળે પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને તેમની યાદગીરીરૂપે મંદિરના નિર્માણના સ્થળે તેમને ઈંટ મૂકવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અહીં આવતા મુલાકાતીઓને પણ મંદિરમાં ઇંટ મુકવાનો લ્હાવો મળે છે, તેઓ દાતા તરીકેની રસીદ મેળવીને આ સ્થળની મુલાકાત લઇ શકે છે.