મંદિર મુલાકાત વખતની ફાઇલ તસવીર

નોર્થ વેસ્ટ લંડનના નીસ્ડન ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે મંગળવાર 2 ફેબ્રુઆરીના રોજ મંદિરના સ્વયંસેવકોની સહાયથી કોરોનાવાયરસ રોગચાળાને ડામવા માટે રસીકરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  કેન્દ્રની મુલાકાત લેતા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એથનિક બેકગ્રાઉન્ડના લોકોને તેમનો સમય આવે ત્યારે કોરોનાવાયરસ રસી લેવા વિનંતી કરી હતી અને મંદિર તેમજ સ્થાનિક સમુદાયના “શૌર્યપૂર્ણ પ્રયત્નો”ને બિરદાવ્યા હતા. તેમણે NHS સ્ટાફ અને સ્વયંસેવકોને મળીને રસીકરણ કેન્દ્રમાં તેમની કામગીરી અને અનુભવો અંગે જાણકારી મેળવી હતી.

NHS દેશના ઇતિહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને પાર પાડવા ચારેય દિશામાં બનતા બધા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રસીકરણ કેન્દ્રની સ્થાપના કરવા અને તેનો સુચારૂ સ્વરૂપે વહીવટ કરી શકાય તે માટે સ્વામિનારાયણ સ્કૂલ અને તેના વિશાળ કમ્પાઉન્ડના મદદ કરી અનેરૂ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે “ઘણાં નેતાઓ રસી વિશે તેમના સમુદાયોમાં જાગૃતી ફેલાવે છે અને શક્ય તેટલા લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરે છે તે અદભૂત છે. મને આનંદ છે કે ઘણા લોકો રસી લેવા માટે આગળ આવી રહ્યા છે, જેમાં મારા પોતાના માતાપિતા પણ સામેલ છે જેમણે પહેલો ડોઝ મેળવ્યો છે. આ રસી સલામત છે અને રસી મેળવવાથી તમારૂ અને પ્રિયજનોનું રક્ષણ કરવામાં મદદ મળશે. આપણી જાતિ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના આ વાયરસને મારવાની આ શ્રેષ્ઠ તક છે, તેથી હું દરેકને વિનંતી કરું છું કે રસીકરણ પ્રોગ્રામને જ્યારે તેમનો સમય આવે ત્યારે રસી મેળવીને ટેકો આપે.”

કોવિડ વેક્સીન ડીપ્લોયમેન્ટ મિનીસ્ટર નાધિમ ઝહાવીએ કહ્યું હતું કે “અસરકારક રસીકરણ જ આ રોગચાળોમાંથી બહાર નીકળવાનો માર્ગ છે અને તે હજારો લોકોનો જીવ બચાવશે. કોઈની પૃષ્ઠભૂમિ, વંશીયતા અથવા તેમની ધાર્મિક માન્યતાઓ ગમે તે હોય પરંતુ અમે દરેક જણને રસીનો લાભ મળે તે માટે હેલ્થ કર્મચારીઓ, સમુદાયના નેતાઓ અને સ્થાનિક ભાગીદારો સાથે મળીને સખત મહેનત કરી રહ્યા છીએ. લાખો લોકોને પહેલાથી જ યુકેમાં રસી આપવામાં આવી છે અને અમે ફેબ્રુઆરીના મધ્યમાં ટોચના ચાર અગ્રતા વર્ગમાં દરેક વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ટ્રેક પર છીએ. NHS પ્રતિ મિનિટ સરેરાશ 250 લોકોને રસી આપી રહ્યું છે અને કુલ 10 મિલિયન લોકોને તેમનો પ્રથમ ડોઝ મળી ગયો છે.’’

વડા પ્રધાન બોરિસ જોન્સને BAME સમુદાયોમાં “રસી વિષેના ખચકાટ” અંગે ચિંતા વ્યક્ત કરી ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’લોકોએ જીવન બચાવવા મથતા લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ. રસી આપવા માટે લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા, તેમને જરૂરી આત્મવિશ્વાસ આપવા માટે અમે બધું જ કરી રહ્યા છીએ.’’

મંદિરની નિયમીત મુલાકાત લેતા હોમ સેક્રેટરીને મંદિરના ટ્રસ્ટીઓએ તેઓ બ્રિટીશ ભારતીય સમુદાય અને તમામ વંશીય સમુદાયોમાં જે કાર્ય કરી રહ્યા છે તે સતત કરતા રહેવાની અને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાની ખાતરી આપી હતી.

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રોગચાળા દરમિયાન સતત NHSને સમર્થન આપી રહ્યું છે. જૂન 2020માં મંદિર દ્વારા સ્કૂલના કાર પાર્કમાં એન્ટિજેન ટેસ્ટીંગ કેન્દ્ર સ્થાપિત કરવામાં મદદ કરી હતી. ડિસેમ્બરમાં કોરોનાવાયરસ ટેસ્ટીંગ પરિણામો 24 કલાકની અંદર આપી શકાય તે માટે મોબાઇલ ટેસ્ટીંગ લેબ વિકસાવવામાં મદદ કરી હતી.

નિસ્ડન મંદિર, તેના સંતો અને ટ્રસ્ટીઓ લોકોમાં ફેલાયેલી શંકાઓ અને અફવાઓને દૂર કરવા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવે છે કે તેમાં કોઈ ધાર્મિક દૃષ્ટિકોણથી કોઇ જ શંકાસ્પદ ઘટકો નથી.

મંદિરના પ્રેક્ટિસિંગ જી.પી. અને ટ્રસ્ટી ડૉ. મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે રસીકરણ અભિયાનને વેગ આપવા અને નબળા લોકોને બચાવવા તેમજ કોરોનાવાયરસના પ્રસારને ધીમો કરવા અમને ભૂમિકા ભજવવાની તક મળે છે તે માટે અમને આનંદ છે.”