પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બ્રિટનમાં રહેતા માઇગ્રન્ટ્સ યુકેમાં રહેવાનો અને કામ કરવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વિના તે સૌને કોવિડ-19 રસી આપવામાં આવશે. જેમણે પણ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો છે અથવા રહી રહ્યા છે તેમને સ્થાનિક જીપી પાસે રસી મેળવવા માટે પોતાના નામની નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી તેમનો વારો આવે ત્યારે તેઓને રસી આપી શકાય.

સોમવારે તા 8ના રોજ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’રસી મેળવવા માટે ઇમિગ્રેશનની ચકાસણી કરવામાં આવશે નહીં અને કોરોનાવાયરસ રસી મફતમાં આપવામાં આવશે. જી.પી. સાથે નોંધાયેલા લોકોનો વહેલી તકે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અમે જેઓ જી.પી. સાથે નોંધાયેલ નથી તેમને પણ રસી આપવામાં આવે તેની ખાતરી કરવા માટે સંપર્ક કરી રહ્યા છીએ. રસીકરણ, સારવાર અથવા કોરોનાવાયરસની તપાસ કરાવતા દર્દીઓ ઇમિગ્રેશન સ્ટેટસ ચેકને આધિન નથી.’’

બ્રિટન પહેલાથી જ 12 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી ચૂક્યું છે. ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાની રસીને મંજૂરી આપનારા બ્રિટન પ્રથમ દેશ હતો જેથી તેનો રસીકરણ કાર્યક્રમ યુરોપિયન સાથીઓ કરતા આગળ ચાલી રહ્યો છે.

બ્રિટનની વેક્સીન સ્ટ્રેટેજીમાં માઇગ્રન્ટ્સને રસી માટે કોઈ ઔપચારિક પ્રાધાન્ય અપાતું નથી, તેના બદલે પ્રથમ સૌથી વૃદ્ધ અને સૌથી સંવેદનશીલ લોકો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જો કે, કેટલાક યુરોપિયન દેશોએ આશ્રય કેન્દ્રોમાં રાખવામાં આવતા નવા શરણાર્થીઓ ચેપ ફેલાવી શકે છે તેવા જોખમને જોતા તેમને રસી આપવાની પ્રાધાન્યતા આપી છે.