બ્રિટનનું સૌથી વધુ પ્રભાવશાળી હિન્દુ મંદિર, નોર્થ લંડનમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રિન્સિપલ ટ્રીટમેન્ટ ટ્રાયલમાં સહયોગ આપવા આગળ આવ્યું છે. આ ટ્રાયલનો હેતુ કોવિડ-19ના દર્દીઓને બિમારીના જે લક્ષણો જણાય અને તેના કારણે તકલીફો થાય તેના નિવારણ કે તકલીફો ઓછી કરવાનો છે. મંદિરની આ પહેલ એશિયન બ્રિટિશર્સના સમુદાયમાં જાગૃતિ વધારશે.

ઓક્સફર્ડની આગેવાની હેઠળના આ પ્રિન્સિપલ ટ્રાયલમાં 50 વર્ષથી વધુની વયના દર્દીઓને વહેલાસર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ રીતે તેઓ કોવિડ-19ની બિમારીમાંથી ઝડપથી સાજા થઈ શકે છે કે કેમ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નિવારી શકાય છે કે કેમ તે જોવાનો હેતુ છે.

નીસડન મંદિરના વડા પૂ. યોગવિવેક સ્વામીએ ગયા સપ્તાહે એક વિડિયો મેસેજમાં સત્સંગીઓને આ ટ્રાયલની વિગતો વિષે સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ડાયાબિટિસ, બીપી વગેરે જેવી અન્ય કોઈ બિમારી હોય તેવા 50 વર્ષથી વધુના કે પછી કોઈ બિમારી ના હોય તેવા પણ 65 વર્ષથી વધુની વયના સમગ્ર યુકેમાં વસતા તમામ લોકોને આ ટ્રાયલ હેઠળ આવરી લઈ શકાય છે. જે લોકોને કોવિડ-19ના કોઈ લક્ષણો જણાતા હોય તેઓ તો રૂબરૂમાં ગયા સિવાય ઘેરથી ઓનલાઈન અથવા જીપી પ્રેકટીસીઝ દ્વારા જોડાઈ શકે છે.

કોવિડ-19ની સારવાર માટે પ્રિન્સિપલ યુકે સરકારના નેશનલ પ્રાયોરિટી પ્લેટફોર્મ ટ્રાયલ્સમાંનો એક છે. તેમાં 850થી વધુ લોકોએ તો જોડાવાની સંમતિ આપી દીધી છે. તેમાં હાલમાં બે સામાન્ય એન્ટીબાયોટિક્સ – ડોક્સીસીલીન અને એઝિથ્રોમાયસિન દર્દીઓને અપાય છે.

ટ્રાયલમાં ભાગ લેનારાઓને રેન્ડમ ધોરણે પસંદ કરાશે અને દવા અપાયા પછી 28 દિવસ સુધી તેમનો ફોલોઅપ લેવાશે, ઓક્સફર્ડની ટીમ ફોનથી તેમના સંપર્કમાં રહેશે. સંશોધન માટે એશિયન, બ્લેક તેમજ માઈનોરિટી એથનિક સમુદાયના લોકોને સંમત કરવા અને સામેલ કરવા પડકારજનક બાબત છે, ત્યારે એવી આશા સેવાય છે કે, મંદિરનું સમર્થન મળવાથી આ મેસેજ એવા ગ્રુપ્સમાં વધારે વ્યાપક રીતે પહોંચી શકશે.

ગયા મહિને યુનિવર્સિટી ઓફ બ્રેડફર્ડના પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ નેશનલ બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક કોમ્યુનિટી તથા ફાર્મસી લીડ તરીકે જોડાયા હતા. આ સમુદાય સુધી પહોંચવા માટે વધુ સઘન અને ચોક્કસાઈપૂર્વકના પ્રયાસો જરૂરી છે, ખાસ કરીને આ સમુદાયો ઉપર કોવિડ-19નો ભોગ બનવાનું, તે વધુ ગંભીર અસર કરતો હોવાનું તથા તેનાથી મૃત્યુનું પણ જોખમ વધુ હોવાથી તેઓએ ટ્રાયલમાં સામેલ થવું પણ ઈચ્છનિય છે. ટ્રાયલમાં જોડાવા ઈચ્છતા લોકોએ વેબસાઈટ www.principletrial.org ની મુલાકાત લેવાની અથવા તો [email protected] ને ઈમેઈલ કરવાનો છે. તેઓ ફોન નં. 0800 138 0880 ઉપર પણ સંપર્ક કરી શકે છે. સામેલ થવા ઈચ્છતા લોકોએ જેવા તેમને કોવિડ-19ના લક્ષણો દેખાય કે તુરત જ ઓક્સફર્ડની ટીમને ફોન કરવાનો રહે છે, જેથી તેઓ જે તે વ્યક્તિ ટ્રાયલમાં જોડાઈ શકે તેમ છે કે નહીં તેનું એસેસમેન્ટ કરી શકે.