(istockphoto.com)

ભારત સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કેટેગરી સિવાયના તમામ વિઝા પરના પ્રતિબંધને 22 ઓક્ટોબરની અસરથી ઉઠાવી લીધો છે. બિઝનેસ, કોન્ફરન્સ, વર્ક, સ્ટડી, રિસર્ચ, કે મેડિકલ કારણોસર મુલાકાત લેવા માગતા વિદેશીઓ ભારતના વિઝા માટે અરજી કરશે, એમ સરકારે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ ઓવરસીઝ સિટીશન ઓફ ઇન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજન ((PIO) તથા બીજા તમામ વિદેશી નાગરિકોને કોઇપણ હેતુ માટે ભારતની મુલાકાત લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ફેબ્રુઆરી 2020થી ઇન્ટરનેશનલ મુસાફરોના આવન જાવન પર નિયંત્રણો મૂક્યા હતા, સરકારે હવે ભારતમાં પ્રવેશવા માગતા કે બહાર જવા માટે વિદેશી નાગરિકો અને ભારતીય નાગરિકોની વધુ કેટેગરી માટે વિઝા અને ટ્રાવેલના નિયંત્રણોમાં તબક્કાવર છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ છૂટછાટના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વિઝા, ટુરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા સિવાયના હાલના તમામ વિઝા પરના પ્રતિબંધને તાકીદની અસરથી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. જો આવા વિઝાની વેલિડિટી પૂરી થઈ હશે તો યોગ્ય કેટેગરી માટે નવા વિઝા મેળવવાના રહેશે. મેડિકલ સારવાર માટે ભારતની મુલાકાત લેવા માગતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે અને સાથે મેડિકલ એટેન્ડન્ટ લાવી શકશે.
સરકારના નિર્ણય મુજબ તમામ OCI અને PIO કાર્ડ હોલ્ડર્સ અને બીજા તમામ વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝા સિવાયના કોઇ પણ હેતુ માટે ભારતની મુલાકાત લઈ શકશે.

જે કેટેગરીને વિઝાના પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે એના હેઠળ લોકો એર વે અને સમુદ્રના માર્ગે ભારતમાં આવી શકશે. સરકારે વિદેશીઓને દેશમાં પ્રવેશ આપવા માટે અમુક જ એરપોર્ટ અને ઈમિગ્રેશન ચેક પોસ્ટને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયમાં વંદે ભારત મિશન, એર ટ્રાન્સપોર્ટ બબલ અરેન્જમેન્ટ અથવા સરકાર પાસેથી મંજૂરી મળેલી હોય એવી નોન-શિડ્યૂલ કોમર્શિયલ ફ્લાઈટને પણ સામેલ કરવામાં આવી છે.

કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવાઈ હતી. કોરોનાના સમયમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી.