પ્રતિક તસવીર

વેસ્ટ યોર્કશાયર મેટ્રો મેયર તરીકે ચૂંટાયેલા લેબરના ટ્રેસી બ્રાબિનના રાજીનામા બાદ ખાલી પડેલી બેટલી અને સ્પેનની એમપીની પેટાચૂંટણીને હવે માત્ર ત્રણેક સપ્તાહની વાર છે ત્યારે શહેરના દક્ષિણ એશિયન સમુદાયોમાં રાજકીય સંદેશાઓ મતદારોના ફોન્સ પર અગ્નિની જેમ ફેલાઈ રહ્યા છે.

2019માં લેબર ફક્ત 3,525ની બહુમતીથી જીત્યુ હતું પણ ટોચના 15 મત વિસ્તારોમાં મુસ્લિમ મતદારો સૌથી પ્રભાવશાળી છે ત્યારે લેબરને આશા છે કે તેમની ઉમેદવાર કિમ લીડબીટર સહાનુભૂતિના જોરે જુલાઈ 1 ના રોજ યોજાનારી ચૂંટણીમાં વિજયી થશે. તે પૂર્વ એમપી જો કોક્સની નાની બહેન છે, જેની 2016માં તેના જ મતદારક્ષેત્રમાં વ્હાઇટ સુપ્રમેસીસ્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

આ ક્ષેત્રમાં મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના અંદાજ મુજબ મુસ્લિમ મતદારોની સંખ્યા આશરે 8,000 છે જે  લેબરની બહુમતી કરતાં બમણા છે. દક્ષિણ એશિયાના મતદારોએ બેટલી કે વેસ્ટ યોર્કશાયરમાં ઐતિહાસિક રીતે લેબરને બેઠકો આપી છે. પણ એક વખતના વફાદાર સાઉથ એશિયન મતદારો લેબર પાર્ટીથી દૂર થયા છે. તેઓ સર કેર સ્ટાર્મર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર બોલવામાં નિષ્ફળ ગયા હોવાથી પણ નિરાશ થયા છે અને ગુસ્સે છે.

બેટલીમાં, પેલેસ્ટાઇનના સમર્થક, ઇરાક યુદ્ધના વિરોધી અને બે દાયકા પહેલાં લેબરમાંથી કાઢી મુકાયેલા પોપ્યુલિસ્ટ ફાયરબ્રાન્ડ જ્યોર્જ ગેલોવે પોતાના મતો અંકે કરી લેવા માંગે છે. બ્રેક્ઝિટ માટે અભિયાન ચલાવનાર ગેલોવે આ મુદ્દે કૉન્ઝર્વેટિવ પાસેથી પણ મત લેવાની આશા રાખે છે. તો જયદા ફ્રાન્સેનનું વલણ માઇગ્રેશન અને ખાસ કરીને મુસિલમ વિરોધી અભિપ્રાયો માટે જાણીતું છે.

વોરીક રોડ પર ઝકી મીની માર્કેટમાં કામ કરતા ઉસ્માન ઇકબાલ (36) માને છે કે મુસ્લિમ સમુદાય તેમના માટે મત આપી રહ્યો છે. તેમના વોટ્સએપ ગ્રૂપ ચેટ્સ ગેલોવેના વીડિયોથી ભરેલા છે. ગેલોવેના ભાષણો અને લેબર વિરોધી મીમ્સના યુ ટ્યુબ વિડિઓઝ સાયબર સ્પેસ દ્વારા ઉડી રહ્યા છે. ઘણા લોકો લેબર નેતૃત્વને સંદેશ આપવા વિરોધ વ્યક્ત કરી ગેલોવોને મત આપશે. મુસ્લિમ સમુદાયો ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન પ્રત્યે સ્ટાર્મરના “ઑન-ધ-ફેન્સ” અભિગમ અને ખાસ કરીને ગાઝામાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન તેમના સાવચેતીભર્યા અને નિરર્થક નિવેદનોથી ગુસ્સે થયા છે. સ્ટાર્મરે એન્ટિસીમિટિઝમ અંગે કડક વલણ અપનાવ્યું છે પણ, કેટલાકને લાગે છે કે તેઓ ઇસ્લામોફોબીયાની નિંદા કરવામાં એટલા વધારે મજબૂત નથી.

કાશ્મીરને ‘દ્વિપક્ષીય મુદ્દો’ હોવાનું જણાવવા બદલ પણ સ્ટાર્મર સામે વિવાદ સર્જાયો છે. 2019ની લેબર કોન્ફરન્સમાં ઠરાવ પસાર કકીને કાશ્મીર પ્રત્યે ભારતની કાર્યવાહીની ટીકા કરાઇ હતી. બેટલી ગ્રામર સ્કૂલમાં લેસન દરમિયાન પ્રોફેટ મુહમ્મદનું નિરૂપણ બતાવવા બદલ એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લેબર નેતૃત્વ આ મુદ્દા પર નિષ્ફળ ગયું હતું. લેબરે લીડબીટરને ઉભા રાખવા તેના સભ્યપદના નિયમો માફ કર્યા અને દક્ષિણ એશિયાઈ સમુદાયના બંને સ્થાનિક કાઉન્સિલરોને શોર્ટલિસ્ટમાં પણ મૂક્યા નહિં તેથી અસંતોષ છે.

મુખ્ય પક્ષોના અન્ય ઉમેદવારોમાં જયદા ફ્રાન્સેન – અપક્ષ, જ્યોર્જ ગેલોવે – વર્કર્સ પાર્ટી, ટોમ ગોર્ડન – લિબરલ ડેમોક્રેટ્સ, કિમ લીડબીટર – લેબર પાર્ટી, ઓલિવર પર્સર – સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી અને રાયન સ્ટીફન્સન – કોન્ઝર્વેટિવ પાર્ટીનો સમાવેશ થાય છે.