આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવાર (16 માર્ચે) પંજાબના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. (ANI Photo)

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવાર (16 માર્ચે) પંજાબના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. દિલ્હી પછી આમ આદમી પાર્ટીએ બીજા રાજ્યમાં સત્તા પર આવી છે. આ સમારોહ શહીદ ભગતસિંહના ગામ ખટકડકલાં ગામમાં થયો હતો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તાજેતરના પરિણામોમાં AAPએ પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

શપથ લીધા બાદ રાજ્યપાલ વિદાય થય ત્યારબાદ ભગવંત માન જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘હું તમારા બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર ન કરવાની અપીલ કરું છું જેમણે અમને વોટ નથી આપ્યા તેમને પણ આપણે માન આપવું પડશે. હું આપ સૌનો અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું પંજાબના ખૂણે-ખૂણેથી ભગત સિંહના ગામ આવેલા લોકોનો હું હૃદયના ઉંડાણથી આભાર માનું છું. દિલ્હીની કેબિનેટ અહીં બેઠી છે. આ ભગત સિંહનું ગામ છે. આમ આદમી પાર્ટી તેમના સપનાઓને પૂરા કરવા માટે કામ કરી રહી છે. આ ગામ મારા માટે નવું નથી. હું અહીં અનેક વખત આવ્યો છું. જનતાએ આપને સાથ આપ્યો છે. જનતાના આ પ્રેમનું ઋણ ઉતારવા માટે અનેક જન્મ લેવા પડશે. જે લોકોએ મત નથી આપ્યા તેમનો પણ હું મુખ્યમંત્રી છું. આ સરકાર તેમની પણ છે. આપણે કોઈ અહંકાર નથી કરવાનો. જનતા ઈચ્છે તો આકાશ પર પહોંચાડી દે અને ઈચ્છે તો જમીન પર પણ લાવી દે.