પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 9થી 12માં ‘ભગવદ્ ગીતા’ ભણાવાશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળામાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. ભાગવદ્દ ગીતાના અમુક શ્લોક અને અમુક પંક્તિઓ શરૂઆતના તબક્કામાં પ્રાર્થના સ્વરૂપે લેવામાં આવશે. ધોરણ 6 થી 9ના અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતાના અમુક પાઠ અને કાવ્યો રાખવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 12 અભ્યાસક્રમમાં ભગવદ્દ ગીતાના અમુક અંશો રાખવામાં આવશે. જેથી બાળકને પહેલાથી આધ્યાત્મિક જ્ઞાન મળી રહે. આ સિવાય શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતા આધારિત શ્લોક, વકતૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃતિઓ યોજવામાં આવે.

શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે.