ભારતના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રવિવારે 280 રને કારમો પરાજય થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી આ ટેસ્ટ મેચ ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં તો પુરી થઈ ગઈ હતી. સ્થાનિક ખેલાડી, પીઢ સ્પિનર આર. અશ્વિનને તેના શાનદાર દેખાવ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ભારતનો 280 રને ભવ્ય થયો તેમાં ટીમની પહેલી ઈનિંગમાં અશ્વિને કરેલી શાનદાર સદી અને રવિન્દ્ર જાડેજા સાથેની સાતમી વિકેટની 299 રનની ભાગીદારીએ ટીમના 376 રનના જંગી સ્કોરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એ પહેલા ભારતે ફક્ત 144 રનમાં તો છ વિકેટ ગુમાવી દીધી હતી. પણ એ પછીની અશ્વિન – જાડેજા (86 રન) ની ભાગીદારીએ બાજી પલ્ટી નાખી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 149 રનમાં ઓલઆઉટ થઈ હતી.
આ રીતે ભારતને પહેલી ઈનિંગમાં 227 રનની જંગી સરસાઈ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઓન કરવાની ફરજ પાડી નહોતી અને ભારતની બીજી ઈનિંગમાં બેટિંગનો નિર્ણય લીધો હતો. પહેલી ઈનિંગની જેમ ભારતની બીજી ઈનિંગની શરૂઆત પણ કંગાળ રહી હતી. પહેલી ઈનિંગમાં ભારતે 34 રનમાં ત્રીજી, 96 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, તો બીજી ઈનિંગમાં પણ ભારતે 67 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. પણ એ પછી શુભમન ગિલ અને ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી 167 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. પંત અને ગિલ, બન્નેએ સદી કરી હતી. બીજી ઈનિંગમાં આખરે ભારતે ચાર વિકેટે 287 રન કરી ઈનિંગ ડીક્લેર કરી હતી અને બાંગ્લાદેશને 515 રનનો જંગી ટાર્ગેટ વિજય માટે આપ્યો હતો.
પ્રથમ ઈનિંગની તુલનાએ બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી અને ઓપનર્સે 62 રન કર્યા હતા. એ તબક્કે યશસ્વી જયસ્વાલના અદભૂત કેચના પગલે બુમરાહ ભારત માટે પહેલી વિકેટ ખેરવી હતી. એ પછી રવિચન્દ્રન અશ્વિન છવાયો હતો અને તેણે ઘરઆંગણે છ વિકેટ લઈ બાંગ્લાદેશને 234 રનમાં તંબુ ભેગું કરી દીધું હતું. અશ્વિને 21 ઓવરમાં 88 રન આપી છ વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગમાં બે છગ્ગા અને 11 ચોગ્ગા સાથે ફક્ત 133 બોલમાં 113 રન કર્યા હતા.
ભારત તરફથી પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 56, ઋષભ પંતે 39 રન કર્યા હતા, તો બીજી ઈનિંગમાં પંત અને ગિલની સદી જ મુખ્ય રહી હતી. ભારત તરફથી પહેલી ઈનિંગમાં અશ્વિનને એકેય વિકેટ નહોતી મળી, તો જસપ્રીત બુમરાહે ચાર, નવોદિત ઝડપી બોલર આકાશ દીપ, મોહમદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને બે-બે વિકેટ મળી હતી, તો બીજી ઈનિંગમાં અશ્વિનની છ વિકેટ ઉપરાંત બુમરાહને એક તથા જાડેજાને ત્રણ વિકેટ મળી હતી.