બોલ્ટન હિન્દુ ફોરમના સીઇઓ અને મનુભાઇ ગુલાબભાઇ મિસ્ત્રીનું નિધન થતાં બોલ્ટનના હિન્દુઓ અને આજુબાજુના નગરોમાં વસતા ભારતીય સમુદયમાં શોક વ્યાપી ગયો હતો.

મનુભાઇ સેવા કાર્યો કરવામાં કદી પાછા પડ્યા ન હતા. કેટલાય લોકો મનુભાઇને એક આદરણીય મેજિસ્ટ્રેટ તરીકે જોતા તો બીજા તેમને કુટુંબના સભ્ય કે કેરીઓકે સેવાઓ પૂરી પાડનારા મનોરંજક મિત્ર તરીકે ઓળખતા હતા.

પ્રેરણાદાયી નેતા મનુભાઈએ થોડા વર્ષો પહેલા જ બોલ્ટન હિન્દુ ફોરમના સીઇઓનું પદ સંભાળ્યું હતું અને ટૂંક જ સમયમાં સંગઠનને અસાધારણ નવી ઉંચાઈએ પહોંચાડ્યું હતું. ફોરમને તેની ચેરિટીનું  સ્થાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવામાં તેમની ભૂમિકા મપત્વપૂર્ણ હતી. તેમના નેતૃત્વ હેઠળ બોલ્ટન હિન્દુ ફોરમે ફ્યુનરલ સર્વિસ, નૃત્ય વર્ગો જેવી નવી પહેલ શરૂ કરી હતી તો ઘણી નવરાત્રી અને અન્ય પ્રોફેશનલ ઇવેન્ટ્સની શ્રેણીબદ્ધ યોજનાનો અમલ કરવામાં મદદ કરી હતી.

બોલ્ટન વિસ્તારમાં હિન્દુ આસ્થા અને ભારતીય સંસ્કૃતિ ટકી રહે તે માટે તેમના પ્રયત્નો સરાહનીય હતા. તેમણે બી.એચ.એફ.ના અધ્યક્ષ અને ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી.

તેઓ હિન્દુ સમુદાયની સુધારણા, સંગઠન, તેના સભ્યો અને સામાન્ય લોકો માટે વધુ ભંડોળ અને સેવાઓ મળે તે માટે લડ્યા હતા. બીએચએફ રેડિયોના પ્રારંભથી તેઓ હિન્દુ સમુદાયને વિશ્વભરમાં કનેક્ટ કરવામાં સક્ષમ બન્યા હતા. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પણ મનુભાઇની સેવાઓ સરાહનીય રહી હતી. કાઉન્સિલરો, સ્થાનિક નેતાઓ, મેયર અને ધાર્મિક પ્રતિનિધિઓએ તેમને અંજલિ આપી હતી. ફોરમના તમામ ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો વતી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.