લંડનની મેટ્રોપોલિટન પોલીસે સોમવાર તા.  18થી રોડ પર વાહન રોકીને તપાસ કરતા પોલીસ અધિકારીઓને વાહન ચાલકની વંશીયતાના ડેટાને રેકોર્ડ કરવા માટેનો  પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે વંશીયતાને લગતા પ્રમાણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

નવેમ્બર 2020 માં પ્રકાશિત થયેલ મેયરના એક્શન પ્લાનના ભાગ રૂપે તેની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લંડનમાં રોડ પોલીસીંગ અધિકારીઓ વાહન ક્યાં, કયા સમયે રોકવામાં આવ્યું, વાહન ચાલકની વંશીય પૃષ્ઠભૂમિ, જાતિ, ઉંમર, વાહનના મેક અને મોડેલની નોંધ કરશે. આ ઉનાળામાં તે વિષે એક અહેવાલ પ્રકાશિત થવાની ધારણા સાથે આ પાઇલટ પ્રોજેક્ટ છ મહિના સુધી ચાલશે.

મેટ પોલીસના ઓપરેશન્સ કમાન્ડર કૈઇલ ગોર્ડેને કહ્યું હતું કે ‘’મેયરની વિઝન ઝીરો યોજનાને અનુરૂપ લંડનના માર્ગોને સલામત બનાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. 2020માં અમે લંડનમાં ટ્રાફિક એક્સીડન્ટમાં 96 લોકો ગુમાવ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટ મૂલ્યાંકન કરવામાં અમારી સહાય કરશે. અમે લંડનના શ્યામ સમુદાયોના વધુ લોકોનો વિશ્વાસ મેળવવા આ પગલાં લઈ રહ્યા છીએ. પોલીસ આ કારણ માટે લોકોને સમજાવશે.’’

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે ‘’મેટ પોલીસ પરનો વિશ્વાસ સુધારવા માટેના મારા એક્શન પ્લાનના આ પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું મહત્વનું છું. લંડનવાસી શ્યામ લોકોની સતત હતાશાને આપણે સાંભળીને તેનો પ્રતિસાદ આપ્યો છે. આ પ્રોજેક્ટ આપણને મુલ્યાંકન કરવામાં મદદ કરી ચિંતાને દૂર કરશે.’’