ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને સોમવાર, 17 જાન્યુઆરીએ 121 દિવસ પૂર્ણ થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને સરકારે કરેલા કામોનો હિસાબ રજુ કર્યો હતો

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને સોમવાર, 17 જાન્યુઆરીએ 121 દિવસ પૂર્ણ થતાં મુખ્યપ્રધાને ગુજરાતની જનતાને સરકારે કરેલા કામોનો હિસાબ રજુ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં ‘સુશાસનના 121 દિવસ’ પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું. આ પુસ્તિકામાં સરકારની સિદ્ધિઓનું વર્ણન છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કંડારેલી સુશાસનની કેડી પર ચાલી વિકાસ માટેનો સંકલ્પ સાકાર સરકારની નેમ છે. તેમણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે 121 દિવસ દરમ્યાન કરેલી ગતિ-પ્રગતિની માહિતી આપી હતી.

તેમણે જાહેર કર્યું કે, રાજ્ય સરકાર કુદરતી ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. 100 કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે. આગામી સપ્ટેમ્બર 2022 સુધીમાં 100 ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. રાજ્યના વધુ 6 જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી 31મી જાન્યુઆરી 2022 સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ઓનલાઇન આર.ટી.આઇ. પોર્ટલ લોંચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ અપનાવ્યું છે. મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરિકો માટે ઇ-સાઇનથી મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ કરાયું છે. સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરી છે. લેન્ડ રેવન્યૂ કોડની કલમ-73એએની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.