અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ગુરુવારે સુપ્રીમ કોર્ટના ગર્ભાવસ્થાના છ સપ્તાહ પછી ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા ટેક્સાસના કાયદા પર પ્રતિબંધ મુકવા બાબતે ઇનકાર કર્યો હતો અને ચેતવણી આપી હતી કે તે ‘ગેરબંધારણીય હોબાળો’ કરવાની ધમકી આપે છે. બાઇડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો રાતોરાત આવેલો ચુકાદો રો વિરુદ્ધ વેડ અંતર્ગત મહિલાના બંધારણીય અધિકારો પર અભૂતપૂર્વ હુમલો છે, જે લગભગ પચાસ વર્ષથી પાયાનો કાયદો છે. રો વિરુદ્ધ વેડનો કેસ વર્ષ 1973નો સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્નરૂપ મામલો છે જેણે અમેરિકામાં મહિલાના ગર્ભપાતના અધિકારને સુનિશ્ચિત કર્યો છે. બાઇડેને જણાવ્યું હતું કે, ‘આ (ટેક્સાસ) કાયદો એટલો પ્રબળ છે કે તે બળાત્કાર અથવા વ્યભિચારના કિસ્સામાં અપવાદોને પણ મંજૂરી આપતો નથી. ડેમોક્રેટિક પ્રેસિડેન્ટે ટેક્સાસમાં રીપબ્લિકન લોમેકર્સ દ્વારા પસાર કરાયેલા બિલની જોગવાઈ પર વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, જે ગર્ભપાત કરનારા ડોકટરો સામે દાવો કરવાની લોકોને મંજૂરી આપે છે.