રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન યુક્રેનની મુલાકાતે જશે તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રેસિડેન્ટ બિડેનની યુક્રેનની મુલાકાત લેવાની અત્યારે કોઇ વિચારણા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપવા માટે અગાઉ યુરોપના ઘણા નેતા ત્યાં ગયા હતા, જેમાં સૌથી મોટું નામ યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનનું છે. જોન્સનની કીવની મુલાકાત પછી બિડેન પણ ત્યાં જાય તેવી ચર્ચાઓ મીડિયામાં થઇ હતી. તાજેતરમાં અમેરિકન મીડિયાના રીપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રેસિડેન્ટ બિડેન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિન્કન અને ડીફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ યુક્રેન જાય તેવી સંભાવના છે. ગત મહિને બિડેને યુરોપની મુલાકાત લીધી હતી. જોકે તેમણે આ દરમિયાન યુક્રેનથી અંતર જાળવ્યું હતું અને જે યુક્રેનને પસંદ આવ્યું નહોતું.