ભારતમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠક પર તાજેતરમાં થયેલી પેટાચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થયા છે. જેમાં બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના (TMC)ના શત્રુઘ્ન સિંહા જ્યારે બાલીગંજ વિધાનસભા બેઠક પર ટીએમસીના જ બાબુલ સુપ્રીયોએ મોટી જીત મેળવી છે. બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના અમર પાસવાન વિજયી થયા છે.
મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને લગભગ 19,000 મતોથી હરાવ્યા છે. છત્તીસગઢ કે ખૈરાગઢ વિધાનસભા સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે. કોંગ્રેસ છોડીને તૃણમુલમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાએ ભાજપના અગ્નિમિત્રા પોલને 2 લાખ 64 હજાર 913 મતોથી હરાવ્યા. આ બેઠક ગયા વર્ષે બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ ખાલી થઈ હતી. સુપ્રીયો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. બાલીગંજ વિધાનસભા બેઠક પરથી બાબુલ સુપ્રીયોએ ભાજપની કેયા ઘોષ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સાયરા શાહને હરાવ્યા. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પ્રધાન રહી ચુકેલા સુબ્રત મુખર્જીના નિધન પછી ખાલી થઈ હતી.