ટાટા સન્સે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા ડિજિટલ મારફત અલી બાબાનું રોકાણ ધરાવતી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગ બાસ્કેટ(સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ)નો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. મીડિયા અહેવાલ મુજબ આ સોદો 1.31 બિલિયન ડોલર (રૂ.95 અબજ)માં કરવામાં આવ્યો છે. આ ડીલના ભાગરૂપે બિગ બાસ્કેટમાંથી તે ચીનની અલી બાબાનો હિસ્સો ખરીદી લેશે.

રતના કન્ઝ્યુમર ઇ-કોમર્સ ક્ષેત્રમાં ઇ-ગ્રોસરી સૌથી વધુ ઝડપથી વિકસતા સેગમેન્ટમાં સ્થાન ધરાવે છે. કોરોના મહામારી બાદ દેશમાં ઓનલાઇન શોપિંગમાં મોટો વધારો થયો છે. બિગબાસ્કેટમાં હિસ્સાની ખરીદીથી ટાટા ગ્રૂપને એમેઝોન, ફ્લિપકાર્ટ, જિયોમાર્ટ અને ગ્રોફર્સની સ્પર્ધા કરવામાં મદદ મળશે. ટાટા ડિજિટલના સીઇઓ પ્રતિક પાલે જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી ઇ-ગ્રોસરી કંપની બિગબાસ્કેટ વિશાળ કન્ઝ્યુમર ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અમારી વિઝનમાં સંપૂર્ણપણે યોગ્ય છે.

ભારતીય સ્પર્ધા પંચે સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટનો 64.3 ટકા હિસ્સો ખરીદવાની ટાટા ડિજિટલની ઓફરને એપ્રિલમાં મંજૂરી આપી હતી. બિગબાસ્કેટની સ્થાપના 2011માં બેંગ્લોરમાં કરવામાં આવી હતી અને હાલમાં તે 25 શહેરોમાં હાજરી ધરાવે છે. ટાટા ગ્રૂપે અગાઉ ટાટા કન્ઝ્યુમર બિઝનેસની પ્રોડક્ટ્સના વેચાણ માટે સુપર એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.