(Photo by MUNIR UZ ZAMAN/AFP via Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ સોમવારે ફર્સ્ટ ક્લાસ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 37 વર્ષીય બિન્નીએ ટીમ ઇન્ડિયા માટે ૬ ટેસ્ટ, ૧૪ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમી હતી. બિન્ની વર્ષ ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. ભારત માટે તેણે પોતાની છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ૨૦૧૬માં રમી હતી. જે બાદ તે ટીમની બહાર હતો.

બિન્નીએ નિવેદનમાં કહ્યું કે, હું તમને જણાવવા માગું છું કે મેં ફર્સ્ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મને ખૂબ આનંદ થયો અને મને એના પર ગર્વ છે.

સ્ટૂઅર્ટ બિન્નીએ ઇન્ટરનેશનલ ડેબ્યૂ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝ દ્વારા કર્યો હતો. વનડે ક્રિકેટમાં રમેલી ૧૪ મેચોમાં બિન્નીએ ૨૮.૭૫ની સરેરાશથી કુલ ૨૩૦ રન કર્યા હતા અને ૨૦ વિકેટ ઝડપી હતી. ટી-૨૦માં તેનું પ્રદર્શન કંઇ ખાસ જોવા મળ્યું નથી. તેણે ત્રણ મેચમાં માત્ર ૩૫ રન કર્યા હતા. બોલિંગમાં પણ તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક જ વિકેટ લઇ શક્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બિન્નીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ૨૦૧૪માં ડેબ્યૂ કર્યો હતો. આ ફોર્મેટમાં તેણે ૧૯૪ રન બનાવવાની સાથે ૩ વિકેટ લીધી હતી.

ભારત તરફથી વનડે ક્રિકેટમાં સૌથી બેસ્ટ બોલિંગ રેકોર્ડ આજે પણ બિન્નીના નામે છે. તેણે ૨૦૧૪માં ઢાકામાં રમાયેલી વન-ડે મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર ૪ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. તેણે ૧૯૯૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૨ રન આપીને ૬ વિકેટ લેનાર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો.