પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં અત્યાર સુધી ગુજરાત સહિતના છ રાજ્યોમાં બર્ડ ફ્લૂને પુષ્ટી મળી છે. આ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણાનો સમાવેશ થાય છે. હરિયાણામાં સેમ્પલ પોઝિટિવ આવ્યા બાદ આશરે 1.60 લાખ પક્ષી મારવામાં આવશે.

કેન્દ્ર સરકારે શુક્રવારે બર્ડ ફ્લૂની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો સાથે બેઠક યોજી હતી અને તેના અટકાવવાના પગલાં સૂચવ્યા હતા.

ગુજરાતમાં તાજેતરમાં વડોદરા, મોઢેરા, બારડોલી સહિતના વિસ્તારોમાં કાગડાઓના શંકાસ્પદ મોતથી ચિંતા વધી ગઈ હતી અને તકેદારી વધારી દેવાઈ હતી. શુક્રવારે બારડોલી શહેરમાં આવેલા કબ્રસ્તાનમાંથી 17 કાગડાઓ મૃત મળી આવ્યા હતા. તેમના મોતનું કારણ જાણવા માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. ગયા બુધવારે પણ બારડોલી તાલુકાના મઢી રેલવે સ્ટેશન નજીકથી ચાર કાગડાના ભેદી મોત થયા હતા. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના મોઢેરામાંથી પણ ચાર કાગડા મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વડોદરાના સાવલીના વસંતપુરામાં ગયા ગુરુવારે 30 કાગડાના થયેલા મોતથી ચિંતા ઊભી થઈ હતી.