કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ સાત જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીની ટીકરી બોર્ડર સુધી ટ્રેકટર રેલી કાઢી હતી. (PTI Photo/Arun Sharma)

કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આશરે એક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં યોજાયેલી આઠમાં રાઉન્ડની મંત્રણા પણ નિષ્ફળ રહી હતી. ત્રણ કૃષિ કાયદાને નાબૂદ કરવાની માગણીને વળગી રહેતા ખેડૂત નેતાઓ સરકારને જણાવ્યું હતું કે કાયદાની વાપસી પછી જ ઘર વાપસી થશે. જોકે સરકારે કાયદાને સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે મંત્રણા વિવાદાસ્પદ કલમો પૂરતી સીમિત રહેવી જોઇએ. આમ આઠમાં રાઉન્ડની મંત્રણમાં કોઇ પ્રગતિ થઈ ન હતી અને હવે 15 જાન્યુઆરીએ મંત્રણા કરવા બંને પક્ષો સહમત થયા હતા.

સરકાર તરફથી કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવે, કોમર્સ એન્ડ ફૂડ પ્રધાન પીયુષ ગોયલ અને રાજ્ય કક્ષાના કોમર્સ પ્રધાન સોમ પ્રકાશ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ખેડૂતોના 40 યુનિયના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

ન્યૂઝ એજન્સીએ કૃષિ પ્રધાને ટાંકીને જણાવ્યું હતું કે કાયદા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ કોઇ નિર્ણય થયો નથી. સરકારે અનુરોધ કર્યો હતો કે કાયદાને નાબૂદ કરવાની જગ્યાએ ખેડૂતો બીજો વિકલ્પ આપે તો સરકાર તેની વિચારણા કરશે. જોકે કોઇ વિકલ્પ રજૂ થયો ન હતો. તેથી બેઠક પૂરી થઈ હતી.

આ બેઠક પહેલા ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યે જણાવ્યું હતું કે જો બેઠકમાં કોઇ ઉકેલ નહીં આવે તો અમે 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલીની યોજના ચાલુ રાખીશું.

ચાર જાન્યુઆરીએ ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચેની બેઠકમાં સહમતી સાધી શકાઈ ન હતી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની માગણી પર અડગ રહ્યાં હતા. જોકે સરકારે કાયદાની સમસ્યાજનક કલમોની ચર્ચા કરવાનો આગ્રહ કર્યો હતો. 30 ડિસેમ્બરે થયેલી છઠ્ઠા રાઉન્ડની બેઠકમાં બે માગણી અંગે સંમતી સધાઈ હતી.