યુકેમાં બ્લેક, એશિયન તેમજ લઘુમતી વંશિય સમુદાયોને કોરોના વાઈરસના રોગચાળાની અપ્રમાણસર વધારે અસર શા માટે થઈ રહી છે તે વિષે ચાર નવા રીસર્ચ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. યુકે રીસર્ચ એન્ડ ઈનોવેશન (યુકેઆરઆઈ) ના ફંડીંગની સહાયથી હાથ ધરવામાં આવનારી આ રીસર્ચની કામગીરી ઈકોનોમિક એન્ડ સોશિયલ રીસર્ચ કાઉન્સિલ (ઈએસઆરસી) દ્વારા હાથ ધરાશે અને તેની પાછળ અંદાજે કુલ £4.5 મિલિયનનો ખર્ચ થશે.

આ રીસર્ચમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરની ટીમની આગેવાની હેઠળ પ્રાથમિક રીતે આ કોરોના વાઈરસના રોગચાળાની બ્લેક, એશિયન તેમજ લઘુમતી સમુદાય ઉપર થયેલી વ્યાપક સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક અસરોનો અભ્યાસ કરાશે અને તેમાં આ તમામ સમુદાયોની હેલ્થ, હાઉસિંગ, વેલફેર, શિક્ષણ, એમ્પ્લોયટમેન્ટ વગેરે મુદ્દાઓની દ્રષ્ટિએ શું સ્થિતિ છે તે સંર્દભમાં અસરોનો અભ્યાસ કરાશે.

બીજા એક પ્રોજેક્ટમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝની ટીમની આગેવાની હેઠળ કોવિડ-19ની અને રેસિયલ ભેદભાવોની અસર આ સમુદાયોના એકદંર કલ્યાણ તેમજ તેમની વિપરિત પરિસ્થિતિમાંથી પાર ઉતરવાની ક્ષમતાઓ વિષે રીસર્ચ કરાશે.

સાયન્સ, રીસર્ચ એન્ડ ઈનોવેશન મિનિસ્ટર આમાન્ડા સોલોવેએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં જે અસમાનતાઓ છે, તે કોવિડ-19ને વધુ ઉજાગર કરી છે ત્યારે સાયન્સ અને રીસર્ચની સહાયથી આ અસમાનતાઓ શા માટે હજી પણ પ્રવર્તી રહી છે તેનો અભ્યાસ કરાશે. આ રીસર્ચ પ્રોજેક્ટ્સ આગામી મહિનાઓમાં શરૂ થશે અને તે 18 મહિનાના ગાળામાં પૂર્ણ કરાશે.