Gujarat election, Congress announced the list of 40 star campaigners
(Photo by NARINDER NANU/AFP via Getty Images)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. પક્ષે ચૂંટણી ઢંઢેરાને ‘શપથ પત્ર’નું નામ આપતા જણાવ્યું હતું કે, તે સત્તામાં આવતા જ પોતે આપેલા તમામ વચનનું પાલન કરશે. ચૂંટણી ઢંઢેરામાં પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા સુધી ઘટાડો કરવા, કોરોના કાળમાં આર્થિક નુક્સાન ભોગવનારા વેપારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપવા, તમામ શહેરોમાં ફ્રી વાહન પાર્કિંગ તેમજ ફ્રી વાઈફાઈ ઝોન શરુ કરવા જેવા અનેક વચનો આપવામાં આવ્યા છે.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન આપતા નથી અમે વાયદા નહિ, શપથ લઈને આવ્યા છીએ. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયા છે.

કોંગ્રેસ તેના ચૂંટણીઢંઢેરામાં તમામ શહેરીજનોને સરકારની સુવિધાઓ, સેવાઓ તેમજ સ્કીમ્સ માટે ગુજરાઈટ કાર્ડ આપવાની, સત્તામાં આવ્યાના ચોવીસ કલાકમાં જ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની, કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી શરુ કરવાની, શહેરના જાહેર માર્ગો પર એર પ્યુરિફાયર લગાવવાની, મફતમાં ઈંગ્લિશ મીડિયમમાં શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસે પાણીની બચત કરનારા શહેરીજનોને મફતમાં પાણી આપવાની જાહેરાત કરી છે. નવા વિસ્તારોમાં જ્યાં સુધી નર્મદાનું પાણી ના આપી શકાય ત્યાં સુધી વોટર ટેક્સમાં રાહત અપાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.

સોસાયટીઓમાં નિયમિત સફાઈ માટે વૈજ્ઞાનિક ઢબે આયોજન, કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂંક, સફાઈકર્મીઓને તેમના ઝોનમાં ક્વાર્ટર આપવાનું, જાહેર જગ્યાઓ પર સ્વચ્છ અને ફ્રી પબ્લિક ટોઈલેટનું નિર્માણ કરવાનું પણ પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે. અમદાવાદ માટે માથાનો દુ:ખાવો બનેલા પીરાણાના કચરાના ડુંગરનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર નિકાલ લવાશે તેમ પણ પક્ષે જણાવ્યું છે.

કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેને સત્તા મળી તો તમામ તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવશે. તેમજ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવાશે તેવું ચૂંટણી વચન પણ પક્ષે આપ્યું છે.

આરોગ્ય સેવા માટે પક્ષે દરેક વોર્ડમાં તિરંગા હેલ્થ ક્લિનિક ખોલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હ્રદયરોગ, કિડની જેવી ગંભીર બીમારીની સારવાર લેતો દર્દી સામાન્ય ના થાય ત્યાં સુધી સારવાર અપાશે, અને ખાસ તો અમદાવાદ માટે વી.એસ. હોસ્પિટલને ફરી કાર્યરત કરાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતની સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ છ મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. જેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જ્યારે 81 પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને તેની મતગણતરી 02 માર્ચના રોજ થશે.