જ્યોર્જ ફલોઈડના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના પગલે અમેરિકાથી શરૂ થયેલા દેખાવો અને હિંસા યુરોપ તથા વિશ્વના અન્ય ભાગોમાં પણ ફેલાયા છે અને હજી પણ તે ચાલી રહ્યા છે. ન્યૂ યોર્કના બ્રુકલિન વિસ્તારમાં સોમવારે (8 જુન) રાત્રે ગોળીબારની જુદી જુદી ઘટનાઓમાં 10 મિનિટમાં 7 લોકોને ઈજાઓ થઈ હતી. આમાંથી 23 વર્ષની એક યુવતીની હાલત ગંભીર છે. મોડેથી મળેલા અહેવાલો મુજબ શિકાગોમાં 31મી મેના રોજ એક જ દિવસમાં ગોળીબારમાં 18 લોકોના મોત નિપજ્યા હતા અને નિષ્ણાતોના મતે શહેરમાં 60 વર્ષમાં તે સૌથી વધારે હિંસાખોરીનો દિવસ બની રહ્યો હતો. એકંદરે, મે 29 થી મે 31 સુધીના વિકેન્ડમાં શહેરમાં 25 લોકોના ગોળીબારથી મોત થયા હતા, તો બીજા 85ને ઈજાઓ થઈ હતી. શિકાગોના મેયર લોરી લાઈટફૂટના જણાવ્યા મુજબ 31મેના રોજ એક જ દિવસમાં શહેરના 911 નંબર ઉપર મદદ માટે 65,000 કોલ આવ્યા હતા, સામાન્ય રીતે એવા કોલ્સની સંખ્યા 15,000 હોય છે.