કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા. (ANI Photo/ SansadTV)

લોકસભામાં ગુરુવારે ચર્ચા દરમિયાન આરોગ્યપ્રધાન  મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બૂઝસ્ટર ડોઝ અને બાળકો માટેની વેક્સિનનો નિર્ણય વૈજ્ઞાનિક સલાહને આધારે કરવામાં આવશે. વિરોધપક્ષોએ વૈજ્ઞાનિકો પર વિશ્વાસ રાખવો જોઇએ. સરકારે ભાવિ પડકારોનો સામનો કરવા દેશનને સજ્જ બનાવવા માટે કેટલાંક પગલાં લીધા છે. સરકારે બફર સ્ટોક પોલિસી અપનાવી છે, જેથી કોરોનાના કેસોમાં સંભવિત વધુ ઉછાળાનો સામનો કરવા માટે તમામ રાજ્યોને પૂરતી દવાઓ મળી રહે.  કેટલાંક સાંસદોએ બૂસ્ટર ડોઝનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કોરોનાના નવા વેરિયન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

લેખિત જવાબમાં માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના રસીકરણ અંગેનું રાષ્ટ્રીય નિષ્ણાત ગ્રૂપ અને રસીકરણ અંગેનું નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ આ સંદર્ભમાં  વૈજ્ઞાનિક પુરાવાની ચકાસણી અને વિચારણા કરી રહ્યાં છે. દેશના 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝની વિચારણા કરવી જોઇએ, તેવા દેશના ટોચના જિનોમ વૈજ્ઞાનિકની સલાહના પૂર્વભૂમિકામાં પ્રધાને આ નિવેદન આપ્યું છે.