(Photo by No 10 Downing Street via Getty Images)

બોરિસ જ્હોન્સનનો 50 પાનાનો સંપૂર્ણ લૉકકડાઉન એક્ઝિટ પ્લાન સોમવારે તા. 11ના રોજ જાહેર કરાયો હતો. જે અંતર્ગત બે મીટરનુ સામાજીક અંતર રાખવાનો નિયમ હંમેશાં પાળી શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને બંધ જગ્યાઓ પર લોકોને માસ્ક પહેરવાની અને ચહેરો ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો અને કુટુંબના લોકોને મળવાની છૂટ આવતા મહિનાથી મળી શકશે.

બંધ દરવાજા પાછળ મોટી રમતો રમાડી શકાશે. ફૂડ પ્રોડક્શન્સ, લેબોરેટ્રીઝ, બાંધકામ, લોજિસ્ટિક્સ, ડિસ્ટ્રીબ્યુશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા લોકો સામાજિક અંતર લાગુ કરવાની શરતે બુધવાર તા. 13થી કામ પર પાછા જઇ શકશે. શક્ય હોય તેમણે ‘નજીકના ભવિષ્યમાં ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. ‘હોસ્પિટાલિટી અને બિન-આવશ્યક રીટેઈલ બિઝનેસીસ બંધ રાખવા આદેશ અપાયો છે. કેટલીક વધુ દુકાનો તા. 1 જૂનથી તબક્કાવાર ફરીથી ખોલવાની શરૂઆત થશે. ‘શરતી’ યોજના મુજબ જુલાઈમાં પબ, બાર, રેસ્ટોરંટ્સ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકાશે.

ગાર્ડન સેન્ટર બુધવારથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.લોકડાઉનના નિયમો અને છૂટછાટ ફક્ત ઇંગ્લેન્ડમાં જ લાગુ થશે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના નિયમો – છૂટછાટ અલગ રહેશે. ઇંગ્લેન્ડના માર્ગદર્શન અથવા નિયમો સાથે અસંગત હોય તો સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના નિયમોનું સન્માન કરવા અને યુકેના વિવિધ ભાગોમાં યાત્રા ન કરવા લોકોને વિનંતી કરાઇ હતી.

ટેનિસ અથવા ગોલ્ફ જેવી આઉટડોર રમતો બીજા ઘરના અન્ય એક વ્યક્તિ સાથે રમવાની મંજૂરી આપવામાં આવી છે. બિનજરૂરી દુકાનો, ટીવી સ્પોર્ટ્સ અને લગ્નોની મંજુરી આવતા મહિનાથી આપવામાં આવશે. લોકોને નાના પાયે પોતાના ઘરની બહાર સોશિયલ થવાની પરવાનગી અપાય તેવી સંભાવના છે. જો કે હેરડ્રેસર, પબ અને વિદેશી રજાઓ માટે મંજુરી મળે તેમ લાગતુ નથી. તે જ રીતે હોસ્પિટાલિટી ક્ષેત્ર બંધ રાખવામાં આવશે.

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના વાઈરસના આક્રમણ બાદ લોકડાઉનમાંથી બહાર નીકળવાની અને આગામી ત્રણ મહિનામાં બ્રિટનને સામાન્ય સ્થિતિમાં લાવવાની ત્રણ તબક્કાની યોજના તા. 10ને રવિવારે જાહેર કરી હતી. શક્ય હોય ત્યાં કામ પર જવા માટે જણાવવામાં આવતા આ અંગે મૂંઝવણ અનુભવતા લોકો સોમવારે જ નોકરી ધંધે જવા ઘરની બહાર નીકળી આવ્યા હતા અને રોડ-રસ્તા તેમજ ટ્યુબ ટ્રેનોમાં ભીડ કરી મૂકી હતી. યુકેમાં વાઈરસથી ઉદભવતા ખતરા પર નજર રાખવા માટે પાંચ-સ્તરની ડેફકોન-સ્ટાઇલની વોર્નિંગ સિસ્ટમ રજૂ કરાશે.

વડાપ્રધાન જ્હોન્સને જણાવ્યુ હતુ કે ‘’કોરોના વાઈરસના કારણે નજીકના ભવિષ્યમાં લોકોના જીવનને અસર થશે અને સ્વીકાર્યું હતું કે આ જીવલેણ રોગ સામેની કોઈ રસી કદાચ ક્યારેય મળશે નહીં. રાષ્ટ્ર માટે લોકડાઉનથી બહાર નીકળવા માટેના તેમના 50 પાનાના રોડ મેપમાં તેમણે કહ્યું હતું કે દેશને સામાન્ય સ્થિતી તરફ પાછો લાવવાની એકમાત્ર લાંબા ગાળાની આશા કોવિડ-19 સામેની તબીબી સફળતા છે.

તેમણે બ્લુપ્રિન્ટ પર ભાર મૂકતા જણાવ્યુ હતુ કે લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવા માટેના પાંચ ટેસ્ટ હજુ સુધી સફળ થયા નથી તેથી મોટી છૂટછાટ આપવી શક્ય નથી. પરંતુ દેશને અમુક પ્રકારની સામાન્ય સ્થિતી તરફ લઇ જવા માટે ‘સ્માર્ટ’ સામાજિક અંતરનાં પગલાં રજૂ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પ્રતિબંધોને ‘વધુ ચોક્કસપણે’ લક્ષ્યાંકિત કરવામાં આવશે અને તે માટે ‘દરેક વ્યક્તિનું અથવા દરેક જૂથનું જોખમ એકસરખું નથી તે ધ્યાનમાં લેવામાં આવશે. મોટા ભાગના લોકોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે. લોકો નિયમો તોડવાનું શરૂ કરશે તો ચેપના દરમાં વધારો થશે અને તો વધુ પ્રતિબંધો લાદવા પડશે. નિયમોનું પાલન કરાવવા માટે દંડની વધુમાં વધુ રકમ £3,200 કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે.

પ્રથમ પગલુઃ
સરકારે લોકડાઉનમાં છૂટછાટના પ્રથમ તબક્કે નોકરી પર જવાની, શાળાઓ ખોલવાની, મુસાફરી કે પ્રવાસ કરવાની છૂટ આપવા સાથે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

નોકરી – સામાજિક સંપર્કોની સંખ્યા ઘટાડવાના આશયે લોકોએ ‘નજીકના ભાવિ’ માટે ‘જ્યાં શક્ય હોય ત્યાં’ ઘરેથી કામ કરવું જોઈએ. લોકો કામ કરશે તો સરકારને ટેક્સ મળશે અને તો હેલ્થકેર માટે નાણાં આવશે જેના પર યુકે આધાર રાખે છે. ઘરેથી કામ કરવાથી પરિવહન પર અને જાહેર સ્થળોએ ઓછી ભીડ થશે. આ અંગેના કોવિડ-19 સીક્યોર દિશાનિર્દેશો આ અઠવાડિયામાં બનાવવામાં આવશે, પરંતુ બિઝનેસીસે ‘વહેલી તકે’ કામદારોની સલામતીને લક્ષમાં લઇને આનું પાલન કરવું જોઈએ. તેમ છતાં કોઇને કોવિડ-19ના લક્ષણો જણાય તો તેણે આઇસોલેશનનુ પાલન કરવાનુ રહેશે.

શાળાઓ – વડાપ્રધાને કી વર્કર્સના બાળકોને શાળાએ મોકલવા પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રાથમિક શાળાઓ નાના ક્લાસીસ સાથે પાછી શરૂ કરવામાં આવશે અને જૂન તા. 1થી રીસેપ્શન, યર 1 અને યર 6 શરૂ થશે. જે માતાપિતા તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં તેમને દંડ નહીં થાય.મોટાભાગની માધ્યમિક શાળાઓ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. વેલ્સે પહેલેથી જ આવતા મહિને શાળાઓ ખોલવાનો વિચાર સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને શ્રીમતી સ્ટર્જને સ્કોટલેન્ડમાં ઓગસ્ટ પહેલા તેની સંભાવના ઓછી હોવાનું જણાવ્યુ હતુ.ચેપનો દર ખૂબ ઉંચો રહેવાથી તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવી શક્ય નથી. પરંતુ સંવેદનશીલ બાળકો અને કી વર્કરના બાળકો વધુ પ્રમાણમાં શાળાએ જાય તે જરૂરી છે. તે જ રીતે નેની અને ચાઇલ્ડમાઇન્ડર્સને મંજૂરી આપવામાં આવશે જેથી કામ કરતા વધુ માતા પિતા કામ પર પાછા ફરી શકે.

મુસાફરી – પ્રવાસ
લોકોને કામે જવા બાઇક, કાર અથવા પગપાળા જવા અનુરોધ કરાયો હતો. જાહેર પરિવહન ખાસ કરીને શહેરોમાં અને પીક અવર્સમાં ગંભીર જોખમ બને છે. દરેક વ્યક્તિએ (ક્રિટિકલ કામદારો સહિત) શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન ટાળવુ જોઇએ. સામાજિક-અંતરની મૈત્રીપૂર્ણ પરિવહન પદ્ધતિઓને સક્ષમ બનાવવા માટે પેવમેન્ટ્સને મોટા કરવા, પૉપઅપ સાયકલ લેન બનાવવા અને શહેરોમાં કેટલાક રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરવાની હિલચાલ ચાલી રહી છે.
વિદેશથી આવતા બધા લોકોએ પોતાનો સંપર્ક અને રહેવાના સ્થળની માહિતી આપવી પડશે અને એનએચએસ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવશે. સરકાર વિદેશથી આવતા લોકોને 14 દિવસ સુધી તેમના રહેઠાણમાં સેલ્ફ આઇસોલેટ થવા જણાવશે. જોકે ફ્રાન્સથી આવનાર લોકોને મુક્તિ અપાઇ છે.

ચહેરો ઢાંકવો – લક્ષણો ન હોય છતાં પણ બીજી વ્યક્તિને રોગનો ચેપ ન લાગે તે આશયે ફેસ માસ્ક પહેરવો જોઇએ કે ચહેરો ઢાંકવો જોઇએ. ઘરેલું કાપડનો દુપટ્ટો કે કપડુ પણ જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ સર્જિકલ માસ્ક અથવા રેસ્પીરેટર્સ હેલ્થ કેર વર્કર માટે અનામત રાખવા જોઈએ. બેથી ઓછી વયના બાળકો અથવા શ્વાસની તકલીફ ધરાવતા બાળકોને ફેસમાસ્ક પહેરાવવો જોઇએ નહિ.

જાહેર જગ્યાઓ – કસરત કરવા પરનો પ્રતિબંધ દૂર કરાયો છે. બે મીટરનુ અંતર જળવાય તે શરતે કોઈ અન્ય વ્યક્તિ સાથે ટેનિસ અથવા ગોલ્ફ રમી શકાશે, વાત કરી શકાશે કે સનબાથ લઇ શકાશે. જો કે, આઉટડોર જીમની જેમ ટીમ સ્પોર્ટ્સને મંજૂરી અપાઇ નથી. લોકો દૂર આવેલા બીચ અને પાર્કમાં જવા પોતાના વાહનમાં મુસાફરી કરી શકે છે. બીજા ઘરની વ્યક્તિથી બે મીટરના અંતરે સનબાથ કરવાની કે વાત કરવાની મંજૂરી છે.

બીજુ પગલું
લોકડાઉનના બીજુ પગલુ તા. 1 જૂન સુધી લાગુ કરવામાં આવશે નહીં અને તે માટે સરકાર સ્થિતી જોઇને ઓછામાં ઓછા 48 કલાક અગાઉ સૂચના આપી ફેરફારો કરી શકશે. તેમાં શાળાઓ, પારિવારીક મિલન, પ્રોફેશનલ સ્પોર્ટ અને હાઇ સ્ટ્રીટ પરની દુકાનો ખોલવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શાળાઓ – સરકારની મહત્વાકાંક્ષા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ‘શક્ય હોય તો’ ઉનાળાની રજાઓના એક મહિના પહેલાં શાળાએ પાછા લાવવાની છે. જો કે તેની સમીક્ષા કરવામાં આવશે. માધ્યમિક શાળાઓ અને ફર્ધર એજ્યુકેશન કૉલેજોએ યર 10 અને યર 12ના વિદ્યાર્થીઓને આગામી વર્ષની ચાવીરૂપ પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે શિક્ષકો સાથે ‘સામ-સામે સંપર્ક’ શરૂ કરવાની તૈયારી કરવી જોઈએ તેમ જણાવાયુ છે.

જો કે એક પીટીશનમાં 380,000થી વધુ લોકોએ અરજી કરી સરકારને વિનંતી કરી છે કે શાળાઓ આવતા મહિને ફરીથી ખોલાશે તો તેમના બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં તે માટે શાળાઓ પસંદગી આપશે. શાળાના પુખ્ત વયના સ્ટાફના લોકોની સલામતીને જોખમ છે તેમ જ નાના બાળકો માટે સામાજિક અંતર જાળવવું મુશ્કેલ બનશે.
પારિવારીક મિલન – બીજા પગલા અંતર્ગત એક જ પરિવારની બે શાખાઓને મળવાની છૂટ આપી શકાશે.

દા.ત. દાદા-દાદી પૌત્રોને મળી શકશે કે બે ભાઇઓ – બહેનો એકબીજાને મળી શકશે. આમ થવાથી બાળકોને સાચવવાની જવાબદારી શેર કરાતા કેટલાક પરિવારો કામ પર પાછા ફરી શકશે. નાના પાયે લગ્ન સમારોહ માટે આગળની દરખાસ્તો ધ્યાનમાં લેવામાં આવી રહી છે.

પ્રોફેશનલ સ્પોર્ટ – બીજા તબક્કામાં બંધ દરવાજા પાછળ રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે. ગ્લૉસ્ટનબરી, વિમ્બલ્ડન અને બ્રિટીશ ગ્રાન્ડ પ્રિકસ સહિતની ઘણી ઇવેન્ટ્સ રદ કરવામાં આવી છે અને આ વર્ષે ફરીથી થાય તેવી સંભાવના નથી. ઉનાળાના પ્રારંભમાં ફૂટબોલ, રગ્બી અને ક્રિકેટ જેવી પ્રોફેશનલ રમતો ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાશે અને તેનુ ટેલિકાસ્ટ કરાશે.

હાઇ સ્ટ્રીટ પરની દુકાનોને ખોલાશે – માર્ચથી બંધ થયેલા બિન-આવશ્યક રીટેઈલર્સ તા. 1 જૂનથી તબક્કાવાર બિઝનેસ ખોલી શકે તેવી ધારણા છે. બીજી તરફ ચેપનું જોખમ વધારે છે તેવા બાર, પબ અને રેસ્ટોરન્ટ્સ, હેરડ્રેસર અને બ્યુટી સલુન્સ જેવી ‘પર્સનલ કેર’ સેવાઓ બંધ રહેશે અને તે તબક્કાવાર ખોલવામાં આવશે.

ત્રીજુ પગલું
ત્રીજા સ્ટેજનો પ્રારંભિક તબક્કો તા. 4 જુલાઈ સુધી શરૂ થાય તેવી અપેક્ષા નથી. તેમાં પબ્સ, રેસ્ટોરાં, હેરડ્રેસર ફરીથી ખુલશે.

આ યોજનામાં હજી પણ બંધ રહેલા પબ, રેસ્ટોરન્ટ્સ અને હોટલ, હેરડ્રેસર અને બ્યુટી સલુન્સ, ચર્ચ અને સિનેમાઘર જેવી લેઝર ફેસેલીટી ખોલવામાં આવશે. આમ છતાં. કેટલાક સ્થળો ખોલવાની મંજુરી અપાશે નહીં. અંતર નક્કી કરવામાં મુશ્કેલી થઇ શકે છે તેવા કેટલાક ગીચ સ્થળો સુરક્ષિત રીતે ફરીથી ખોલી શકાશે નહીં. તેમ છતાં, સરકાર ડેટા અને માહિતીને આધારે યોગ્ય લાગશે ઘણા બિઝનેસીસ અને જાહેર સ્થળો ખોલવા વિચારશે.’