યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

છેલ્લા કેટલાક મહિનાઓથી માનવજાતમાં એક જીવલેણ વાઈરસ ફેલાઈ રહ્યો જ છે. કોરોનાવાઈરસે જે રીતે વિશ્વના લગભગ તમામ દેશોમાં હજ્જારો લોકોને ચેપગ્રસ્ત કર્યા છે, તેવી જ રીતે કોવિડ-19 રોગચાળા વિષે એક અપપ્રચારનો પણ ફેલાવો થઈ રહ્યો છે, તેનો ઈલાજ મળી આવ્યાના નિરાધાર દાવાઓ દ્વારા ફ્રોડ તત્ત્વો નિર્દોષ અને ઓછું જાણતા, સમજતા લોકોની દયાજનક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

માઈન્ડ ખાતેના હેડ ઓફ ઈન્ફોર્મેશન સ્ટીફન બકલેએ “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું કેઃ “સોશિયલ મીડિયા આપને લોકો સાથે સંપર્કમાં રહેવામાં મદદરૂપ થઈ શકે છે, તો સાથે સાથે લોકો તેના ઉપર સમાચારોની આપ-લે કરે કે પોતાની ચિંતાઓ દર્શાવે તો તેના થકી તમે પણ વ્યાકુળ, ચિંતિત બની શકો છો.

“આપણે સુમાહિગાર રહીએ તો તે રીતે આપણે અનિશ્ચિતતાનો સામનો કરી શકીએ. પણ એ વાતની ખાતરી કરવા પ્રયાસ કરશો કે, ફક્ત હકિકતો દર્શાવતા સમાચારોના સોર્સીઝ ઉપર જ તમે વિશ્વાસ મુકો છો, અફવાઓ કે અટકળો આધારિત સમાચારો ઉપર નહીં.

“તમને એવું લાગે કે સમાચારોના પૂર, ધસમસતા પ્રવાહનો સામનો કરવો તમારા માટે મુશ્કેલ બની રહે છે, તો થોડા સમય માટે તેનાથી દૂર રહેવા વિચારો, દિવસના ફક્ત નિશ્ચિત સમયગાળા માટે જ, મર્યાદિત સમય પુરતું તમે સમાચારો તરફ ધ્યાન આપો.

“તમે એવું પણ નક્કી કરી શકો કે, તમે ફક્ત ચોક્કસ ગ્રુપ્સ અથવા તો પેજીસ ઉપર જ નજર કરશો અને ટાઈમલાઈન્સ કે ન્યૂઝફીડ્સ નહીં જુઓ.

“ગયા મહિને, એક એવી કાવતરાની થીયરીની અફવા ફેલાઈ હતી કે, મોબાઈલ નેટવર્ક્સના 5જી માસ્ટ્સ (મોબાઈલ ટાવર્સ) કોરોના વાઈરસ ફેલાવે છે અને તેના પગલે દેશના અનેક ભાગોમાં આવા માસ્ટ્સ સળગાવી દેવાયા હતા.

“બ્રોડકાસ્ટર એમોન હોમ્સે 5જી માસ્ટ્સ વિષેની આ અફવાઓ વિષે જાણ્યા પછી તેને સીધેસીધે નકારી કાઢવાનો ઈનકાર કરતાં પોતાના આઈટીવીના ‘ધીસ મોર્નિંગ’ શોમાં એવું કહ્યું હતું કે, આ વાત સાચી નથી એવું કહી દેવું ખૂબજ સરળ છે, કારણ કે દેશની સરકારના વલણને તે અનુકુળ છે. મને જે વાત મંજુર નથી તે એ મુદ્દો છે કે, મેઈનસ્ટ્રીમ મીડિયાને પણ જ્યારે તેના તથ્યો વિષે કોઈ જાણકારી કે વિશ્વસનિય માહિતી નથી ત્યારે એવા સંજોગોમાં એ અહેવાલોને તેમણે સીધેસીધા અફવામાં ખપાવી દીધા.

જો કે, મીડિયા રેગ્યુલેટર ઓફકોમે આઈટીવીના આ પ્રેઝન્ટરની તેની પાંગળી નિર્ણયશક્તિ આધારિત ટીપ્પણીઓ બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તેની આવી ટીપ્પણીઓના કારણે સરકારી સત્તાવાળાઓની સલાહ તથા વૈજ્ઞાનિક પુરાવાઓમાં વિશ્વાસ મુકવાના દર્શકોના વલણને પણ તે નબળુ પાડી શકે છે.

ઓફકોમે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, તેણે આઈટીવી તથા તેના પ્રેઝન્ટર્સને ગાઈડન્સ જારી કર્યું છે.

જીસીએચક્યુના એક હિસ્સારૂપ નેશનલ સાઈબર સીક્યુરીટી સેન્ટરે (એનસીએસસી) પોતે ઈન્ટરનેટ સ્પેસમાંથી હટાવેલી કેટલીક સ્કેમ સાઈટ્સના ઉદાહરણો આપ્યા હતા અને તેના માટે એક નવી ‘સસ્પીશિયસ ઈમેઈલ રીપોર્ટીંગ સર્વિસ’ને શ્રેય આપ્યો હતો.

બ્લોક કરવામાં આવેલા ઓનલાઈન સ્કેમ્સમાં એવા વેબ પેજીસનો પણ સમાવેશ થાય છે કે જે કોરોના વાઈરસના ટેસ્ટીંગ કે ઈલાજ સંબંધી ટેસ્ટીંગ કિટ્સ, ફેસ માસ્ક્સ અને વેક્શિન્સ સહિતની બનાવટી પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યા હોવાનો દાવો કરતા હતા. ગયા મહિને જ કોરોનાવાઈરસના રોગચાળાની સ્થિતિનો દુરૂપયોગ કરી વધી રહેલા સાઈબર ક્રાઈમના કિસ્સાઓની NCSC એ નોંધ લીધી હતી.

સીટી ઓફ લંડન પોલીસના કમાન્ડર અને નેશનલ લીડ ફોર્સ ફોર ફ્રોડ, કેરેન બેક્સટરે જણાવ્યું હતું કે, એક તરફ આખી દુનિયા આ વૈશ્વિક હેલ્થ ક્રાઈસીસનો સામનો કરવા એક થઈને ઝઝુમી રહી છે ત્યારે અપરાધીઓ આ અભૂતપૂર્વ કટોકટીના કાળમાં આપણી વ્યાકુળતા, અકળામણ તથા સહેલાઈથી સ્થિતિનો ભોગ બનવાની તકોનો લાભ ઉઠાવવા તાકીને બેઠા છે.

સ્વતંત્ર ફેક્ટ ચેકિંગ ચેરિટી ફુલ ફેક્ટના ચીફ એક્ઝિક્યુટીવ વિલ મોયે જણાવ્યું હતું કે, “ખરાબ માહિતીથી તો લોકોના જીવનમાં ખાના ખરાબી સર્જાય છે. આપણે એના ઉદાહરણો નિહાળ્યા છે કે, તે કેવી રીતે લોકોને લોકશાહીમાં સક્રિય રીતે સામેલ થતા અટકાવે છે અને એ રીતે તેમની પોતાની આર્થિક સ્થિતિ, તંદુરસ્તી કે અંગત સલામતી સામે તેમને જોખમમાં મુકે છે. આ નવા કોરોના વાઈરસના રોગચાળાએ આ સ્થિતિ તરફ તાજેતરના મહિનાઓમાં આપણું ધ્યાન વધુ સચોટ રીતે ખેંચ્યું છે.

“યુકેમાં, આપણે જોઈ રહ્યા છીએ કે બનાવટી ઈલાજો, ખોટા દાવાઓ, કાવતરાની થિયરીઓ તથા નાણાંકિય કૌભાંડોએ આવી ગેરમાહિતીનું સ્વરૂપ લીધું છે.

Economic crisis, Businessman using mobile smartphone analyzing sales data and economic graph chart that is falling due to the corona virus crisis, Covid-19, stock market crash caused.

ફુલ ફેક્ટના કહેવા મુજબ બે સૌથી સામાન્ય પ્રકારની ગેરમાહિતીની વાત કરીએ તો એ વેક્સિન અંગેના જોખમો તેમજ 5જી ટેલિકોમ નેટવર્ક્સ કોરોનાવાઈરસ સાથે જોડાયેલા હોવાની કાવતરાની થિયરી મુખ્ય જુઠ્ઠાણા બની રહ્યા.

ચેરિટીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે કોવિડ-19ના રોગચાળા વિષે યુઝર્સને તેમના પ્રશ્નો મોકલવા એક ઓનલાઈન ફોર્મ લોંચ કર્યું ત્યારે ફક્ત ત્રણ સપ્તાહથી થોડા વધુ સમયમાં 2,000થી વધુ લોકોએ તેને પ્રતિભાવ આપ્યો હતો.

વાઈરસ સંબંધી ગેરમાહિતી ફેલાતી અટકાવવા ટેક ફર્મ્સે તો સક્રિયતા દાખવી જ છે. અગાઉ એપ્રિલ મહિનામાં ફેસબુકની માલિકીના વોટ્સએપે મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ્સ વધુ મર્યાદિત બનાવી ગેરમાર્ગે દોરતી મેડિકલ એડવાઈસનો પ્રચાર કરતા મેસેજીસ મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફેસબુકે ગયા મહિને એવું જણાવ્યું હતું કે, તે યુઝર્સને કોરોના વાઈરસના રોગચાળા વિષેની હકિકતો હાઈલાઈટ કરતી વિશિષ્ટ વોર્નિંગ્સ મોકલશે. વિશ્વના અગ્રણી એવા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કાવતરાની બેફામ થિયરીઓ તેના માધ્યમથી ફેલાતી હોવા છતાં તેણે તે સહન કરી લીધાના આક્ષેપો થયા પછી ફેસબુકે આ વોર્નિંગ્સ મોકલવાનું કહ્યું હતું.

આ અમેરિકન જાયન્ટે કેટલીક મીડિયા સંસ્થાઓ સાથેના પોતાના સહયોગ થકી કોરોનાવાઈરસના રોગચાળાના વૈશ્વિક ફેલાવા અંગે હકિકતો ઉપર આધારિત લેખો પણ પ્રકાશિત કર્યા છે.

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એવું પણ જણાવ્યું હતું કે, અગાઉ કોવિડ-19 સંબંધી નુકશાનકારક ગેરમાહિતીના સંપર્કમાં આવી ચૂકેલા લોકોને ન્યૂઝ ફીડમાં અમે એવા મેસેજીસ પણ દર્શાવવાનું શરૂ કરીશું કે, અમે તે ગેરમાહિતી ફેલાવતી સામગ્રી દૂર કરી છે અને તેવા લોકોનો અમે સચોટ માહિતી સાથે સંપર્ક સ્થાપિત કરાવીશું.

જે લોકોએ અગાઉ વાઈરસ સંબંધી ગેરમાહિતી “લાઈક” કરી હોય, શેર કરી હોય કે તેના ઉપર કમેન્ટ્સ કરી હોય તેવા યુઝર્સ માટે નવા મેસેજીસ જે તે સંબંધિત ભાષાઓમાં પોપઅપ કરાશે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન – હુ) દ્વારા ભ્રામક માહિતીને તોડી પાડતી એકત્ર કરવામાં આવેલી હકિકતો તરફ તેમને દોરી જવાશે.

આ અમેરિકન કંપનીની વૈશ્વિક પહોંચનો લાભદાયક રીતે ઉપયોગ કરીને ‘હુ’એ ફેસબુક મેસેન્જર ઉપર ચેટબોટ લોંચ કર્યો છે, જે કોવિડ-19 વિષે છેલ્લામાં છેલ્લી માહિતી લોકોને આપશે.

એકલા માર્ચ મહિનામાં જ વાઈરસ સંબંધી લગભગ 40 મિલિયન પોસ્ટ્સ ઉપર સ્વતંત્ર ફેક્ટ ચેકર્સે તેની તપાસ કર્યા પછી ફેસબુકે વોર્નિંગ્સ મુકી હતી.

ઝકરબર્ગે કહ્યું હતું કે, લોકોએ વોર્નિંગ લેબલ્સ જોયા, તે પછી 95 ટકા કિસ્સાઓમાં તેઓ તે અસલ કન્ટેન્ટ જોવાથી દૂર રહ્યા હતા.

ગેટ ધી ફેક્ટ્સ નામનો એક અન્ય પ્રોગ્રામ ફેક્ટ ચેકિંગ સહયોગીઓએ તૈયાર કરેલા લેખો ફેસબુક ઉપર હાઈલાઈટ કરે છે.

લોકોને કાવતરાખોરોનો શિકાર બનતા અટકાવવા અનેક સંસ્થાઓએ પગલાં લીધા છે.

નેશનલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્ઝ સ્કેમ્સ ટીમના વડા લુઈ બેક્સટરે કહ્યું હતું કે, લોકો કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે ઘરમાં જ રહે છે ત્યારે અપરાધીઓ શારીરિક કે માનસિક રીતે અંશતઃ નિર્બળ, એકલા રહેતા કે આઈસોલેશનમાં રહેલા, પોતાનું રક્ષણ કરી શકવા અક્ષમ સ્થિતિમાં મુકાયેલા લોકોને શિકાર બનાવવાની તકો શોધી રહ્યા છે. પડોશીઓ માટે એકબીજાની દરકાર કરવાનો આનાથી વધારે મહત્ત્વનો બીજો કોઈ સમય હોઈ શકે નહીં – ખાસ કરીને આપણે સ્વયં આઈસોલેશન પાળી રહ્યા હોઈએ ત્યારે, અને એ કારણે જ અમે ‘ફ્રી ફ્રેન્ડ્ઝ અગેઈન્સ્ટ સ્કેમ રીસોર્સીઝ’નો ઉપયોગ કરીને કમ્યુનિટિઝને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે તેઓ પોતાના સ્થાનિક વિસ્તારોમાં તો સ્કેમ્સ અટકાવે.

અમારા ઓનલાઈન કોર્સીઝ આપને સંભવિત સ્કેમ્સ શોધી કાઢવામાં, તેનો શિકાર બની શકે તેવા સંભવિત લોકોને ઓળખી કાઢવામાં મદદરૂપ બનશે અને સ્થાનિક રહીશોને આ રીતે સ્કેમના શિકાર બનવા સામે રક્ષણ આપવામાં એ તમને સહાય કરશે. અમે કોમ્યુનિટીઝને વિનંતી કરીએ છીએ કે તેઓ એકબીજાનું સ્કેમ્સની સામે રક્ષણ કરે તેમજ લોકોને છેલ્લામાં છેલ્લી સાચી સલાહ પરસ્પર પરિવારોને, મિત્રોને તથા પડોશીઓને પણ પહોંચાડે. એ માટે જુઓ   https://www.nationaltradingstandards.uk/news/beware-of-covid19-scams/

ગયા મહિને, બ્રિટિશ તેમજ અમેરિકન સાયબરસીક્યુરીટી એજન્સીઝે એવી ચેતવણી આપી હતી કે કેટલીક વિદેશી સરકારોનું પીઠબળ ધરાવતા હેકિંગ ગ્રુપ્સ લોકોના કોમ્પ્યુટર્સ તેમજ નેટવર્ક્સમાં છુપી ઘૂષણખોરી કરવા કોરોનાવાઈરસ આધારિત થીમ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

આ ગ્રુપ્સ ફિશિંગ ઈમેઈલ્સ મોકલી રહ્યા છે અને કોવિડ-19 વાઈરસના વિષયો ઉપર આધારિત વેબસાઈટ્સ બનાવી રહ્યા છે, જેનો ઈરાદો એવો છે કે, યુઝર્સ લિંક્સ ઉપર ક્લિક કરે અને એ રીતે તેમના કોમ્પ્યુટર્સ પેનેટ્રેશન માટે ખુલ્લા પડી જાય અને તેમાં માલવેર ઘૂસાડી શકાય.

આવા કેટલાક હેકર્સ “2020 કોરોનાવાઈરસ અપડેટ્સ” અથવા તો “કોરોનાવાઈરસ આઉટબ્રેક ઈન યોર સિટી (ઈમરજન્સી)” જેવી સબ્જેક્ટ લાઈન્સનો ઉપયોગ કરે છે તો બીજા કેટલાક આ મહામારીનો મુકાબલો કરવા માટેની રાષ્ટ્રીય પોલિસીઝ વિષેના કથિત અપડેટ્સ અંગેની એટેચ્ડ ફાઈલ્સ ઓફર કરે છે, એવું બ્રિટનના નેશનલ સાઈબર સીક્યુરીટી સેન્ટર તેમજ અમેરિકાની સાઈબરસીક્યુરીટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીએ જારી કરેલા એક સંયુક્ત એલર્ટમાં જણાવાયું હતું.

સાઈબર અપરાધીઓ અનેક પ્રકારના રેન્સમવેર તેમજ માલવેર કામે લગાડી પોતાના વ્યાપારી લાભો માટે આ મહામારીનો દુરૂપયોગ કરી રહ્યા હોવાનું આ બે સાઈબરસીક્યુરીટી એજન્સીઝે જણાવ્યું છે.

તેના કેટલાક દાખલા આપતાં એજન્સીઝે જણાવ્યું હતું કે, હેકર્સે લોકોના મોબાઈલ ફોન્સમાં કોરોનાવાઈરસ સંબંધી પેમેન્ટ્સની જાહેરાત કરતા SMS મોકલ્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે, એમાં રહેલી લિંક ઉપર લોકોએ ક્લિક કરવું, જેનો પાછળથી ઉપયોગ ફોનધારકોની અંગત અને બેંકિંગ અંગેની માહિતી મેળવવા માટે કરાય છે.

‘હુ’ (WHO – વિશ્વ આરોગ્ય સંસ્થા) તરફથી મોકલાયા હોવાનો દેખાવ કરતા સંખ્યાબંધ ઈમેઈલ્સ પણ એકથી વધુ ભાષાઓમાં મોકલાય છે.

લોકોની અંગત તથા નાણાંકિય હિસાબોની માહિતીની ચોરી કરવાના ઈરાદે ઉભી કરાયેલી એક બનાવટી વેબસાઈટ સત્તાવાર બ્રિટિશ સરકારનું પેજ હોવાનો દેખાવ કરે છે.

આ ઉપરાંત, આ બે સાઈબરસીક્યુરીટી ગ્રુપ્સના જણાવ્યા મુજબ હાલમાં મિલિયન્સની સંખ્યામાં લોકો ઘેરબેઠા કામ (જોબ કે બિઝનેસ) કરી રહ્યા છે ત્યારે તેઓ જે પ્રકારની નેટવર્કિંગ સેવાઓનો ઉપયોગ કરે છે, તેનો ગેરલાભ લેવાના પણ હેકર્સ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

તેઓ ચેતવણી આપે છે કે લોકોએ લોકપ્રિય VPN ટુલ્સનો ઉપયોગ કરતી વખતે ખૂબજ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે દેખિતી રીતે તો એ ટુલ્સ સીક્યુરીટી આપતા હોવાનું જણાય છે, પણ હેકર્સ દ્વારા તેનો વ્યાપક રીતે દુરૂપયોગ કરાય છે, જેમાં સિટ્રિક્સ, પલ્સ સીક્યોર, ફોર્ટિનેટ તથા પાલો આલ્ટો જેવી બ્રાંડ્ઝની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

 

આ ચેકલિસ્ટને ફ્રોડ સામે તમારૂ સુરક્ષા કવચ બનાવો

યુકે સરકારે એક ચેકલિસ્ટ તૈયાર કર્યું છે, જે લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનવાથી પોતાનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે.

  • તમે પોતાના પૈસા ક્યાંક કોઈને આપતા પહેલા કે તમારી અંગત માહિતી આપતા પહેલા થોડી પળો માટે વિચારો. આ વાત સાવ સરળ લાગે છે, પણ આ એક જ પગલું પણ ફ્રોડ થતો અટકાવી શકે છે.
  • તમે પોતાના ફોન્સ, ટેબ્લેટ્સ અને લેપટોપ્સમાં લેટેસ્ટ સોફટવેર, એપ્સ તથા ઓપરેટિંગ સીસ્ટમ્સનો જ ઉપયોગ કરતા હોવાની ખાતરી રાખો.
  • અને તમને કોઈ અણધાર્યા કે શંકાસ્પદ ઈમેઈલ અથવા તો ટેક્સ્ટ મેસેજ મળે, તો તેમાં રહેલી લિંક કે એટેચમેન્ટ ઉપર ક્લિક કરવું નહીં.
  • આવી બાબતોને ચેલેન્જ કરતાં ખચકાટ રાખશો નહીં. તમે પોતાના પૈસા કે માહિતી કોઈને આપવાનો ઈનકાર કરો તો તે વાત યોગ્ય જ છે – ફક્ત અપરાધીઓ જ તમને ઉતાવળ કરવા કે ડરાવવા પ્રયત્ન કરશે.
  • હંમેશા યાદ રાખશો – પોલીસ અને બેંક્સ ક્યારેય તમને પૈસા ઉપાડવા કે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેશે નહીં. તેઓ તમને ક્યારેય પોતાનો આખો બેંકિંગ પાસવર્ડ કે પિન જણાવવા પણ કહેશે નહીં.
  • સંસ્થાઓનો સીધો સંપર્ક કરવા તમે પોતે જાણતા હોવ તે ફોન નંબર્સ કે ઈમેઈલ એડ્રેસનો ઉપયોગ કરી તમે હંમેશા આ વાતની ખાતરી કરી શકશો કે તમને મળેલી રીક્વેસ્ટ્સ ખરી છે કે નહીં. અને તમને એવું લાગે કે તમે કોઈ સ્કેમનો શિકાર થયા છો, તો તુરત જ તમારી બેંકનો સંપર્ક કરો તેમજ એક્શન ફ્રોડને પણ તેના વિષે જાણ કરો.

તમે શંકાસ્પદ ટેક્સ્ટ્સ વિષે જાણ કરવા ઓરિજિનલ મેસેજ 7726ને ફોરવર્ડ કરી શકો છો, તમારા કીપેડ ઉપર તે અક્ષરોમાં SPAM લખાય છે.

કન્ટેન્ટ તમારી પાસે વિશ્વાસપાત્ર ઓફિસિયલ સોર્સમાંથી આવ્યું છે? હેલ્થ વિષેની સલાહ બાબતે વિચારતા હોવ ત્યારે નીચે દર્શાવ્યા મુજબની વેરિફાઈડ વેબસાઈટ્સ ઉપર પણ તેની ચકાસણી કરી લેવીઃ

The NHS, Public Health England, GOV.UK

આ શેર ચેકલિસ્ટનો ઉપયોગ કરી ફ્રોડને ઓળખવા પ્રયાસ કરો

UK Public information poster from the NHS (National Health Service) with advice relating to the COVID-19 Coronavirus

તમે ઓનલાઈન કોઈ બાબતને લાઈક કરો, કમેન્ટ કરો કે શેર કરો તે પહેલા ચેકલિસ્ટ શેર કરો, જેથી તમે એની ખાતરી કરી શકો કે

તમે કોરોનાવાઈરસ વિષે કોઈ નુકશાનકારક કન્ટેન્ટ ફેલાવવામાં તો ફાળો આપતા નથી ને

સોર્સ

મેડિકલ તેમજ સલામતી વિષેની માહિતી માટે ફક્ત સત્તાવાર સોર્સીઝ ઉપર જ વિશ્વાસ મુકવો.

હેડલાઈન

હેડલાઈન ક્યારેય પણ આખી વાત નથી કહેતી હોતી. કોરોનાવાઈરસ વિષેના લેખો શેર કરતા પહેલા આખો લેખ અક્ષરસઃ વાંચી જાઓ.

વિશ્લેષણ કરો

હકિકતોનું વિશ્લેષણ કરો. કોઈક વાત માની શકાય નહીં તેવી લાગે, તો ખરેખર તે એવી હોઈ જ શકે છે. સ્વતંત્ર ફેક્ટ ચેકિંગ સર્વિસીઝ દરરોજ કોરોનાવાઈરસ વિષે ખોટી માહિતીઓમાં સુધારો કરી જ રહી છે.

રીટચ્ડ

કોરોનાવાઈરસ વિષેની વાતોમાં ગેરમાર્ગે દોરનારા ફોટા કે વિડિયોઝ વિષે સાવચેતીપૂર્વક નજર રાખો. તે એડિટ કરેલા કે સંબંધિત ના હોય તેવા સ્થળો કે ઘટનાઓ દર્શાવતા હોઈ શકે છે. આવા ફોટોનો બીજા કોણ કોણ ઉપયોગ કરી રહ્યું છે, તે પણ ચેક કરો.

ભૂલો

ભૂલો ઉપર નજર રાખો. ટાઈપિંગની કે અન્ય ભૂલોનો અર્થ એવો થઈ શકે કે, એ માહિતી ખોટી છે. કોરોનાવાઈરસ વિષેના સત્તાવાર માર્ગદર્શનની માહિતી હંમેશા કાળજીપૂર્વક ચેક કરેલી, ભૂલો વિનાની હશે.