ગ્રેટર માંચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ (ફાઇલ તસવીર) . (Photo by Christopher Furlong/Getty Images)

– બાર્ની ચૌધરી દ્વારા
ગ્રેટર માંચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે બોરિસ જ્હોન્સન સરકાર ઉપર આરોપ મૂક્યો છે કે તેઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન સાઉથ એશિયન લોકોને પૂરતી મદદ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, તેમને પૂરતો ટેકો અપાયો નથી અને તેમને “સંપૂર્ણ રીતે ભૂલી ગયા” છે. તા. 23ના રોજ વડા પ્રધાને આ વિસ્તારમાં સૌથી વધુ આકરા નિયંત્રણો લાદ્યા હતા. આ વિસ્તારનું નેતૃત્વ પહેલા ભૂતપૂર્વ લેબર અને હેલ્થ સેક્રેટરી કરતા હતા. ગ્રેટર માન્ચેસ્ટરને સહાયમાં કેટલા પૈસા મળવા જોઈએ તે અંગે મેયર અને મિનિસ્ટર્સ વચ્ચે વાતચીત થઈ હતી.
“ગરવી ગુજરાત” સાથે એક્સક્લુસીવ વાતચીતમાં એન્ડી બર્નહામે કહ્યું હતું કે, “હું બંગલાદેશી, ભારતીય અને પાકિસ્તાની સમુદાયના લોકો સાથે, દરેક સમયે વાત કરું છું અને અમારી વચ્ચે ગાઢ સંવાદ સ્થપાયેલો છે.

સૌથી વધુ કેસોવાળા વિસ્તારોમાં, તેમને જરૂરી ટેકો મળ્યો નથી. તેથી જ સરકાર સાથેની દલીલ એટલી જ મહત્વની હતી. તે ન્યાય બાબતની દલીલ હતી, જે વિસ્તારોને ખૂબ સખત અસર થઇ છે તેની વાસ્તવિકતા સ્વિકારવાની વાત છે. હું ક્યારેય વાટાઘાટોથી દૂર થયો નહોતો પણ સરકારે તેમ કર્યું હતું. હું જાણું છું કે ગ્રેટર માન્ચેસ્ટરમાં એશિયન સમુદાયમાં ઘણા લોકો ટેક્સી બિઝનેસમાં કામ કરે છે. હું સેલ્ફ એમ્પલોઇડ અને ટેક્સી ડ્રાઇવિંગ કરતા લોકો માટે બોલવામાં ખૂબ જ સભાન હતો. તે સંદેશ વેસ્ટમિન્સ્ટર સાંભળે તે જરૂરી છે. કારણ કે તદ્દન પ્રમાણિકપણે કહુ તો તેઓ ઘણી વાર તેમની અવગણના કરે છે. મારા સમુદાયો માટે બોલવા બદલ હું માફી માંગતો નથી.”
તેમણે રોગચાળાના પગલાંથી અસરગ્રસ્ત અન્ય પ્રદેશો કરતા વધુ સારી ડીલ માંગવાનો આરોપ લગાવતી સરકાર ઉપર “રમત રમવા”નો પ્રતિ આરોપ લગાવ્યો હતો. લેબર મેયરે કહ્યું હતું કે જેમને સૌથી વધુ ટેકાની જરૂર છે તેમને માટે ઉભા રહ્યા હતા.

‘’આ ઉપેક્ષા, રાજકારણ લંડન કેન્દ્રિત હોવાને કારણે થાય છે. સરકાર લંડનથી બધુ ચલાવી રહી છે, અને તેઓ જમીન પર જે થઈ રહ્યું છે તેના પર પૂરતું ધ્યાન આપી રહ્યા નથી, તેથી મને લાગે છે કે તેઓ અહીંના તમામ સમુદાયોની અવગણના કરી રહ્યાં છે. બોલ્ટનની જ વાત કરો. રાતોરાત નિર્ણયથી પ્રભાવિત થનારા લોકો માટે કોઈ યોગ્ય ટેકો આપ્યા વિના હોસ્પિટાલિટી ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લેવાયો. હવે, હું એક સવાલ પૂછું છું, તેવું લંડનમાં થયું હોત? તે ત્યાં સ્વીકાર્ય હશે? કે પ્રયત્ન કર્યો હોત? પરંતુ તે અહીં કરાયું.”

20 વર્ષથી માંચેસ્ટરમાં કેબ ચલાવતા શમસુલ હુડાએ “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું કે ‘’લૉક ડાઉન બાદ તેનો બિઝનેસ ઠપ્પ છે. ટીઅર 3 પગલાંથી તેને ફરીથી ખરાબ અસર થશે. સરકાર અમારા જેવા લોકો વિશે ભૂલી ગઈ છે. હું બિઝનેસીઝને મદદ કરવાની વિરુદ્ધ નથી, દરેકની મદદ કરવી જોઈએ, પરંતુ અમારી તરફ નજર કરાઈ રહી નથી. અમને કોઈ મદદ કરવામાં આવી નથી.” બ્રિટીશ બીઅર એન્ડ પબ એસોસિએશને કહ્યું હતું કે ગ્રેટર માન્ચેસ્ટરમાં કડક પગલાની અસરને કારણે 1,900 પબ્સની 32,000 નોકરીઓને અસર થશે અને સ્થાનિક અર્થતંત્રને કુલ £664 મિલિયનનું નુકસાન થઈ શકે છે.

શાહબુદ્દીન અને તેનું કુટુંબ વેસ્ટ મિડલેન્ડ્સમાં સટન કોલ્ડફિલ્ડમાં 27 વર્ષથી સ્ટ્રીટલી બાલ્ટી રેસ્ટોરન્ટની માલિકી ધરાવે છે. તેણે “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું કે “મેં 2018માં રેસ્ટોરન્ટ ફરીથી બનાવી હતી. પરંતુ પછી થોડા અઠવાડિયા બાદ રોગચાળો થયો, અને બધું તૂટી ગયું.
અમારે રેસ્ટોરાં બંધ કરવી પડી. અમારૂ ટેકઅવે પણ બરાબર નથી ચાલતું. ઓગસ્ટમાં સરકારની ઇટ આઉટ યોજના સારી રહી પણ તે થોડાક સમય માટે હતી. અગાઉના લોકડાઉનની તુલનાએ વેપારમાં 70 ટકાનો ઘટાડો થયો છે. મને ખબર નથી કે અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે. સરકાર આ માટે જવાબદાર છે, કારણ કે આ રોગચાળાને કેવી રીતે હલ કરવો તે અંગે યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી. હું કોને નોકરીમાંથી કાઢુ? બધા પાસે પરિવાર કે સંભાળ રાખવા માટે વૃદ્ધ માતાપિતા છે.’’ લેસ્ટર, ઇસ્ટ મિડલેન્ડ્સમાં, મનજિત પાબ્લા અને તેના ભાઈઓએ સપ્ટેમ્બર 2019માં ફ્રેન્ડ્સ તંદૂરી ખોલી હતી. માર્ચમાં લૉક ડાઉન સુધી બધુ સારૂ ચાલતું હતું અને આજે વેપાર 60 ટકા નીચે છે. તેમણે જણાવ્યું હતું કે ‘’પ્રતિબંધોને કારણે રેસ્ટોરન્ટની ક્ષમતા ઓછી છે. હવે 60ની જગ્યાએ 30 લોકોનો જ સમાવેશ કરી શકીએ છીએ અને 10 વાગ્યે તો કર્ફ્યુ લાગે છે. તેનો અર્થ સ્ટાફના કલાકો કાપવાનો છે. સરકારી યોજનાઓ થોડી મદદરૂપ થાય છે, પરંતુ વેચાણમાં થયેલા ઘટાડા સામે તે પુરતી નથી. અમને વધુ ટેકાની જરૂર છે. ફરી લૉક ડાઉન આવે કે રેસ્ટોરંટ બંધ કરવાની જરૂર પડે તો સ્ટાફની પાસે કોઈ નોકરી રહેશે નહિ. સરકારે તેમની દેખરેખ રાખવાની જરૂર છે.”

બર્મિંગહામની એસ્ટન યુનિવર્સિટીમાં સેન્ટર ફોર રીસર્ચ ઇન એથનિક માઇનોરીટી એન્ટ્રપ્રનરશિપ (CREME) ના ડાયરેક્ટર અને એથનિક માઇનોરીટી બિઝનેસ માટેના સર્વપક્ષીય સંસદીય જૂથના સભ્ય પ્રોફેસર મોંડેર રામ દ્વારા મદદની જરૂરિયાતને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમના કેન્દ્રે તાજેતરમાં જ તેને “વંશીય લઘુમતી ઉદ્યોગસાહસિકતાના સૌથી મોટા અભ્યાસ” તરીકે વર્ણવ્યું હતું. તેમણે શોધ્યું હતું કે વંશીય લઘુમતીઓ યુકેના અર્થતંત્રમાં £25 બિલિયનનો ફાળો આપે છે. અમારા અનેક અહેવાલોમાં વંશીય લઘુમતી ઉદ્યોગ માલિકોની વિશેષ નબળાઈઓ પ્રકાશિત કરવામાં આવી છે. મોટે ભાગે, તેઓ ઉપલબ્ધ મદદ વિશે જાણતાં નથી, તેથી તે ગાયબ થઈ જાય છે, અને તેઓને લાગે છે કે તેમના ચોક્કસ મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા નથી.’’ ઘણા એશિયન ઉદ્યોગોની જેમ, પાબ્લા અને તેના ભાઈઓ પણ તેમની લેસ્ટર રેસ્ટોરન્ટમાં નવીનતા લાવવાના છે. રાતના કર્ફ્યુને લીધે, હવે અમે રવિવારનો નાસ્તો શરૂ કરી રહ્યા છીએ, કેટલાક ભારતીય વિકલ્પો સાથે સંપૂર્ણ ઇંગ્લિશ બ્રેકફાસ્ટ પીરસીશુ. આવતા અઠવાડિયાથી, અમે કોફી, મીઠાઈઓ અને સ્ટ્રીટ ફૂડ સાથે અમારા કલાકો લંબાવી સવારે 11 વાગ્યાથી શુભારંભ કરીશું. તમારે ફક્ત તે રીતે અનુકૂળ થવું પડશે.” પ્રોફેસર રામે કહ્યું હતું કે ‘’આ નવીનતા યુકેના અર્થતંત્રને મદદ કરશે. તેઓ (એશિયનો) યુકેમાં દરેક ક્ષેત્રમાં નવીનીકરણ કરે છે, કારણ કે અત્યારે નવીનતા અને ઉત્પાદકતા સરકારની નીતિના મુખ્ય પાસાઓ છે. પરંતુ ફરીથી એજ વાત આવે છે કે મારી ફર્મ આમાં ક્યાં છે? તે ક્યાંય જોવા મળતી નથી.” બર્નહામના મેયરે કહ્યું હતું કે ટેસ્ટ એન્ટ ટ્રેસ સીસ્ટમની વાત આવે ત્યારે દક્ષિણ એશિયનોને યોગ્ય રીતે સંભાળવામાં ન આવ્યા તે અંગે તેમને ચિંતા છે.