કોરોના વાઇરસની મહામારીના સંકટમાં બ્રાઝિલના આરોગ્ય પ્રધાન નેલ્સન ટીચે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને તેના માટે પ્રેસિડેન્ટ જૈર બોલ્સોનારો સાથેના મતભેદ કારણરૂપ મનાય છે. એક મહિનામાં બીજા આરોગ્ય પ્રધાને પોતાનું પદ છોડ્યું છે. આ મુદ્દે નેલ્સન ટીચે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ બોલ્સોનારો કોરોના વાઇરસની હકીકત સમજવામાં નિષ્ફળ રહ્યા છે અને તેનો તેઓ ઇન્કાર કરે છે.

એક મહિના અગાઉ ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાં તેમણે આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. દેશમાં કોરોના વાઇરસના ફેલાવા વચ્ચે નેલ્સન ટીચે લોકોને શારીરિક અંતર અને નિયમોથી અવગત કર્યા હતા, જેના લીધે તેઓ ચર્ચામાં રહ્યા હતા. અને હવે તેમનું રાજીનામું એવા સમયે આવી પડ્યું છે જ્યારે દેશમાં આ વાઇરસનો પ્રકોપ ખૂબ જ વધી ગયો છે. જોકે, ટીચે પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટપણે જણાવ્યું નથી પરંતુ તેમણે પ્રેસિડેન્ટની આકરી ટિકા કરી છે.

પ્રધાને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ પ્રત્યે પ્રેસિડેન્ટનું વલણ ખૂબ જ નિરાશાજનક છે, તેનાથી હું ખૂબ જ નિરાશ છું. તેમણે બ્રાઝિલવાસીઓને ચેતવણી આપી છે કે, દેશ આ વાઇરસના કેસોની અનુમાનિત સંખ્યાના નિવારણ માટે તૈયાર નથી. હું સ્વેચ્છાએ આ પદ છોડી રહ્યો છું. તેમણે ફેસબુક પર જણાવ્યું હતું કે, મેં દેશવાસીઓને મદદ કરવા માટે આ પદ સ્વીકાર્યું હતું. દેશમાં શારીરિક અંતર બહુ ઓછા લોકો જાળવે છે.

દેશમાં વેન્ટિલેટરની મોટી અછત છે.એક રીપોર્ટ મુજબ પ્રેસિડેન્ટ બોલ્સોનારો અને બંને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાનો વચ્ચે મતભેદનું કારણ મેલેરિયા વિરોધી દવા-હાઇડ્રોક્સિક્લોરોક્વીન છે. પ્રેસિડેન્ટ કોરોનાના દર્દીઓને આ દવા આપવા સહમત હતા જ્યારે બંને આરોગ્ય પ્રધાનો તે દવાના વિરોધી હતા. આ મુદ્દે તેમની વચ્ચે ગંભીર મતભેદો હતા.

આ દરમિયાન બોલ્સોનારોના ચીફ ઓફ સ્ટાફ- વોલ્ટર બ્રેગા નેટ્ટોએ પત્રકારોને જણાવ્યું હતું કે, ટીચે શુક્રવારે પ્રેસિડેન્ટ સાથેની મિત્રતાભરી ચર્ચા પછી અંગત કારણોસર પોતાનું પદ છોડ્યું છે. બ્રાઝિલમાં ગત અઠવાડિયે કોરોનાના કેસની સંખ્યા જર્મની અને ફ્રાંસ કરતા વધી ગઇ છે, જે અમેરિકા પછી બીજા નંબરે દરરોજ વધે છે. આરોગ્ય મંત્રાલયે નવા 15 હજાર કેસ નોંધાયા હોવાનું શુક્રવારે જણાવ્યું હતું. બ્રાઝિલમાં કુલ કેસની સંખ્યા 218,000થી વધુ છે.