વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીમાંથી મુક્ત થનારો સ્લોવેનિયા યુરોપનો પ્રથમ દેશ બન્યો છે. યુરોપિયન યુનિયનના સભ્ય સ્લોવેનિયાની સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-19નું સંક્રમણ હવે નિયંત્રણમાં છે, અને વિશેષ આરોગ્ય ઉપાયો કરવાની કોઇ જરૂરીયાત નથી. સરકારે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના બીજા દેશના રહેવાસીઓને સ્લોવેનિયા આવવાની છૂટ છે, તેમને સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું ફરજિયાત નથી.

પરંતુ જે લોકો યુરોપિયન યુનિયનના સભ્ય નથી તેમને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવી શકે છે. જે વિદેશી નાગરિકોમાં કોરોના વાઇરસના લક્ષણ દેખાશે તેમને દેશમાં પ્રવેશ માટે મંજૂરી અપાશે નહીં. સ્લોવેનિયામાં 12 માર્ચના રોજ મહામારીની જાહેરાત કરવામાં આવી હતી. અહીં લગભગ 20 લાખ લોકો રહે છે. ઇટલી, ઓસ્ટ્રિયા, હંગેરી અને ક્રોએશિયા પડોશી દેશો છે.

સ્લોવેનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 1464 કેસ નોંધાયા છે, જેમાં 103 લોકોના મૃત્યુ થયા છે. વડાપ્રધાન જાનેઝ જનસાએ ગુરુવારે પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે, સ્લોવેનિયા છેલ્લા બે મહિનાથી મહામારીનો સામનો કરી રહ્યું છે. હવે સ્લોવેનિયાની સ્થિતિ યુરોપમાં સૌથી સારી છે.સ્લોવેનિયામાં કોરોનાનો પ્રથમ કેસ ચાર માર્ચના રોજ નોંધાયો હતો, તે વ્યક્તિ ઇટલીથી પરત આવ્યો હતો.

સ્લોવેનિયામાં માર્ચમાં તમામ સ્કૂલ, કોલેજ, રેસ્ટોરાં, હોટેલ અને દુકાનો બંધ કરાવાયા હતા. ફક્ત દવાની દુકાન અને ફૂડ સ્ટોર્સ જ ખુલ્લા રખાયા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરાયું હતું. સરકારે 20 એપ્રિલથી લોકડાઉનમાં છૂટછાટો આપવાનું શરૂ કર્યું હતું. ગત સપ્તાહથી પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે અને હવે સ્કૂલ પણ ખોલવામાં આવી રહી છે. તમામ બાર્સ અને 30 રૂમ્સની હોટેલ્સ પણ ટૂંક સમયમાં ખુલી જશે.