કોરોનાવાયરસ લૉકડાઉન હળવું થઈ રહ્યું હોવાથી લોકો સલામત રીતે ચાલી શકે અને સાઈકલ ચલાવી શકે તે માટે સેન્ટ્રલ લંડનના મોટા વિસ્તારોને કાર અને વાન માટે બંધ કરાશે તેમ જ કન્જેશન ચાર્જમાં વધારો કરાશે એવી મેયર સાદિક ખાને જાહેરાત કરી છે. ભારે ભીડ ધરાવતી ટ્રેન અને બસોમાં સલામત અંતર જાળવવુ અશક્ય છે ત્યારે નિષ્ણાતોના મત મુજબ લોકોને ચાલવા માટે અને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવું નિર્ણાયક છે.

લંડનને વિશ્વનું સૌથી મોટુ કાર-મુક્ત શહેર બનાવવાના અભિયાન અંગે મેયર સાદિક ખાને શુક્રવારે જાહેરાત કરી હતી કે લંડન બ્રિજ અને શોરડિચ, હ્યુસ્ટન અને વોટરલૂ તેમજ ઓલ્ડ સ્ટ્રીટ અને હોલબોર્ન વચ્ચેની મુખ્ય શેરીઓ બસ, રાહદારીઓ અને સાયકલ સવારો પૂરતી મર્યાદિત રહેશે. માર્ગ બંધ થવાનું કામ તાત્કાલિક શરૂ થશે અને છ અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે.

વૉટરલૂ બ્રિજ અને લંડન બ્રિજ પરથી કાર અને લારીઓ પર પસાર થવા પર પ્રતિબંધ લદાઇ શકે છે. જે તે ક્ષેત્રમાં નાના રસ્તાઓનું સંચાલન કરતા બરોને આવા જ નિયંત્રણો લાગુ કરવા કામ થઇ રહ્યુ છે. લોકો દ્વારા કારના વધુ પડતા ઉપયોગથી ગ્રીડલોક અને વાયુ પ્રદૂષણમાં વધારો થશે.

કારના ઉપયોગને મર્યાદિત કરવા કન્જેશન ચાર્જ લેવાની સોમવાર તા. 18થી ફરીથી શરૂઆત થઇ હતી. 22 જૂનથી હાલના £11.50ના દરને વધારીને £15 (30%) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તે સપ્તાહના સાતેય દિવસ અને લાંબા સમય સુધી વધારવામાં આવશે. પ્રદુષણ ફેલાવતા અને જુના વાહનોને સેન્ટ્રલ લંડનમાં પ્રવેશવા બદલ £12.50નો લેવામાં આવશે. જેને લોકડાઉન દરમિયાન મુક્તિ આપવામાં આવી હતી. રાજધાનીમાં ચાર વર્ષના ફ્રીઝીંગ પછી જાન્યુઆરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડામાં વધારો કરાનાર છે. આ જ રીતે અલ્ટ્રા લો ઇમિશન ઝોન અને લો એમિશન ઝોનની શરૂઆત કરાઇ હતી. એન.એચ.એસ. અને કેર હોમ સ્ટાફને મદદ કરવા કન્જેશન ચાર્જ રિઇમ્બર્સમેન્ટ યોજનાનો વિસ્તાર કરાશે. આ ઉપરાંત લંડનમાં પીક અવર્સમાં ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં મફત મુસાફરી કરતા બાળકો અને 60 વર્ષ કરતા વધુ લોકો પાસેથી ચાર્જ લેવાશે, જેઓ હાલમાં મફત ફરે છે. તેમજ ભાડાના દરમાં પણ વધારો કરાશે. સરકાર દ્વારા £1.6 બિલીયનના બેઇલઆઉટનો ખર્ચો કાઢવા આ પગલા લેવામાં આવ્યા છે.

સાદિક ખાને જણાવ્યું હતુ કે ‘’કોવિડ-19એ લંડનના ઇતિહાસના લંડન ટ્રાન્સપોર્ટ નેટવર્કને સૌથી મોટો પડકાર આપ્યો છે. તેમાં સલામત સામાજિક અંતર જાળવવા માટે તમામ લંડનવાસીઓ તરફથી મહત્વપૂર્ણ પ્રયાસ કરાશે. જે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખવી પડશે. વળી ટ્રાફિક જામ થવાના અને ઝેરી હવાનું પ્રદૂષણ વધવાના કારણે આપણે કારનો વપરાશ પણ વધારી શકતા નથી. આ પરિવર્તન મુશ્કેલ બનશે. પણ લંડનમાં ટ્રાન્સપોર્ટને સલામત બનાવવા અને લંડનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાખવા અમારી પાસે કોઈ વિકલ્પ નથી. હું આ શક્ય બને તે માટે તમામ બરોને અમારી સાથે કામ કરવા વિનંતી કરું છું.’’

મિલાને આ સમરમાં 22 માઇલની સ્ટ્રીટમાં પરિવર્તન લાવવાની યુરોપની સૌથી મહત્વાકાંક્ષી સાયકલિંગ અને વોકીંગ સ્કીમ્સ રજૂ કરી છે. પેરિસમાં મેયરે જાહેર પરિવહનના વિકલ્પ તરીકે સાયકલ લેનનાં નેટવર્ક માટે 300 મિલિયન યુરો ફાળવ્યા છે જેમાંથી ઘણા હાલની મેટ્રો લાઇનો સાથે ચાલશે.

યુકેમાં, સ્કોટિશ સરકારે પોપ-અપ વોકિંગ અને સાયકલિંગ રૂટ બનાવવા માટે £10 મિલિયનની ઘોષણા કરી છે. માન્ચેસ્ટરે સીટી સેન્ટરમાં ડીન્સગેટના વિસ્તારમાં રાહદારીઓ માટેની યોજનાઓનું અનાવરણ કર્યું છે.

સી-ફોર્ટી સીટીઝ ક્લાયમેટ લીડરશીપ ગૃપ ડેવિડ મિલરે ખાનના નિર્ણયને આવકારી અભિનંદન આપ્યા હતા અને આ યોજનાથી લંડનના લોકો શુધ્ધ શ્વાસ લઇ શકશે અને ભવિષ્યમાં લાંબા સમય સુધી જાહેર આરોગ્યને સુધારશે એમ જણાવ્યું હતુ.” ગ્રીનપીસ, સુસ્ટ્રન્સ અને એરપોલ્યુશન્સ ગૃપ્સે આ પહેલને આવકારી છે.

દેશભરમાં લદાયેલા લોકડાઉનના કારણે લંડનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોએ મુસાફરી બંધ કરી દેતા ટી.એફ.એલ.ની આવકમાં 90૦% ઘટાડો થયા બાદ તેમને સરકારની મદદ માંગવાની જરૂર પડી હતી. ટીએફએલ બેલઆઉટ અંગે મેયર ખાને કહ્યું હતું કે, “મારે માટે સરકારે ટેબલ પર મુકેલો આ એકમાત્ર વિકલ્પ હતો અને ટ્યુબ અને બસો ચાલુ રાખવા માટે મારે તેને સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ટ્રાન્સપોર્ટ ફોર લંડને કહ્યું હતુ કે સરકારે બેલઆઉટને મંજૂરી આપવાની શરતે કન્જેશન ચાર્જ વધારવા માટે ખાન અથવા ટી.એફ.એલ. પર દબાણ કર્યું ન હતું.’’ મેયરે લંડનવાસીઓને વિનંતી કરી છે કે તેઓ ઘરેથી જ કામ કરે અને તેમનો વધુ સમય તેમના સ્થાનિક વિસ્તારમાં વિતાવે અને છેક છેલ્લે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે.

ટીએફએલે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ગુમાવેલા ભાડાને લીધે આ વર્ષે £3 બિલીયનનુ નાણાકીય ગાબડુ પડ્યુ છે. સરકારે આપેલી સહાય માત્ર ઓક્ટોબર સુધી જ સંસ્થાને ચાલુ રાખી શકશે. ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે સધાયેલા પેકેજ અંતર્ગત ટીએફએલ £1.9 બિલીયન ઉપાડી શકશે. જેમાં £ 1.1 બિલીયન રોકડા અને £505 મિલિયનની લોન શામેલ છે.

લોકડાઉનને લીધે અંડરગ્રાઉન્ડ મુસાફરીઓમાં 95%નો ઘટાડો અને લંડનની બસોમાં 85%નો ઘટાડો થયો છે. ગુરુવારે, ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે મુસાફરોને TFLની નાણાકીય સહાય માટે આખરે ઉંચુ ભાડુ ચૂકવવાની જરૂર પડશે.

ગયા મહિને, ઇંગ્લેન્ડની બસ કંપનીઓને NHS સ્ટાફ જેવા ફ્રન્ટલાઈન કાર્યકરો માટે જરૂરી સેવાઓ ચાલુ રાખી શકે તે માટે £400 મિલીયન અપાયા હતા અને ત્રણ મહિનામાં £167 મિલિયન પ્રદાન કરશે અને નધુ £200 મિલિયનના રોકાણોનું સમર્થન આપવાની બાંયધરી આપી છે.