
સાઉથ વેસ્ટ લંડનના બ્રેન્ટમાં આવેલા સ્ટોનબ્રિજ સ્થિત ટિલેટ ક્લોઝના એક ઘરમાં 24 મેના રોજ રાત્રે 1.30 વાગ્યે આગ લાગતા એક મહિલા અને તેના ત્રણ બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આગના કારણે બે મીડટેરેસ – ત્રણ માળના ઘરો બળી ગયા હતા.
આગને 3.24 વાગ્યા સુધીમાં કાબૂમાં લેવામાં આવી હતી. મૃતકોમાં 43 વર્ષીય નુસરત ઉસ્માન, 15 વર્ષીય મરિયમ મિકાઇલ, આઠ વર્ષીય મુસા ઉસ્માન અને ચાર વર્ષીય રઈસ ઉસ્માનનો સમાવેશ થાય છે. 70 વર્ષની એક મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેને રજા આપવામાં આવી છે. જ્યારે ૧૩ વર્ષની એક છોકરી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
આ ઘટના બાબાતે ઘટનાસ્થળેથી 41 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
નોર્થ વેસ્ટ લંડનમાં મેટની સ્થાનિક પોલીસ ટીમના સુપરિન્ટેન્ડેન્ટ સ્ટીવ એલને કહ્યું હતું કે “સ્થાનિક અધિકારીઓ ખૂબ જ જટિલ તપાસ પર સ્પેશ્યલાઇઝ્ડ ક્રાઇમ કમાન્ડના અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. તપાસમાં મદદ કરી શકે તેવી માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિને 509/24MAY નંબર આપીને 101 પર કૉલ કરવા વિનંતી છે. ચેરિટી ક્રાઈમસ્ટોપર્સ સાથે 0800 555 111 ઉપર કૉલ કરીને ગુપ્ત રીતે માહિતી શેર કરી શકાય છે.
