પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના વિરોધને કારણે ચીનની ઈચ્છા હોવા છતાં પાકિસ્તાન બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લઈ શક્યું નથી. પાકિસ્તાને ભારતનું નામ લીધા વિના સ્વીકાર કર્યો છે કે બ્રિક્સમાં સામેલ એક દેશે પાકિસ્તાનને અપાયેલા આમંત્રણનો વિરોધ કર્યો છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ અનુસાર ભારતે પાકિસ્તાનને બ્રિકસ બેઠકમાં ભાગ લેવાની બાબતનો વિરોધ કર્યો, જેના કારણે મજબૂરીમાં ચીનને પોતાનો નિર્ણયને પાછો લેવો પડ્યો છે.

ચીન તરફથી 24 જૂને બ્રિક્સ દેશોની વૈશ્વિક વિકાસ પર એક વર્ચુઅલી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. એમાં કેટલાક દેશોને ચીન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનનો સમાવેશ કરાયો હતો. જોકે, ભારતના વિરોધ બાદ પાકિસ્તાનને બેઠકમાં ભાગ લેવાનો અવસર મળ્યો નહીં.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે એક બ્રિક્સ દેશે અમને આપવામાં આમંત્રણનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન ચીન સાથે મળીને દ્વિપક્ષીય સંબંધો અને સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.