(Photo by Tolga Akmen - WPA Pool/Getty Images)

વડાપ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ બ્રીફિંગમાં શનિવારે જાહેરાત કરી હતી કે કડક પ્રતિબંધો હોવા છતાં, કોવિડ-19 વાયરસ અપેક્ષા કરતા વધુ ઝડપથી ફેલાતો હોવાના કારણે રવિવાર તા. 20 ડીસેમ્બરથી લંડન, કેન્ટ, એસેક્સ અને બેડફોર્ડશાયર સહિતના વિસ્તારોને નવા ટિયર 4 પ્રતિબંધો હેઠળ મૂકવામાં આવશે. ક્રિસમસની ઉજવણી કરવા માંગતા ટિયર-4 વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરની બહારના કોઈને અથવા સપોર્ટ બબલ સિવાયના લોકોને ક્રિસમસ દરમિયાન મળી શકશે નહીં. આ વિસ્તારોમાં વાયરસનો વધુ ઝડપથી થતા ફેલાવા પાછળ નવા લક્ષણો ધરાવતા વાયરસ જવાબદાર હોવાની સંભાવના છે. 30 ડિસેમ્બરે નિર્ણયની પહેલી સમીક્ષા થશે અને આ પ્રતિબંધો હાલ પુરતા બે અઠવાડિયા માટે જાહેર કરાયા છે.

ઇંગ્લેન્ડના બીજા રાષ્ટ્રીય લોકડાઉન સમાન ટિયર-4 પ્રતિબંધો સાઉથ ઇસ્ટના કેન્ટ, બકિંગહામશાયર, બર્કશાયર, સરે (વેવર્લી સિવાય), ગોસ્પોર્ટ, હેવંટ, પોર્ટ્સમથ, રોધર અને હેસ્ટિંગ્સને પણ આવરી લેશે. ટિયર–4માં લંડનના તમામ 32 બરો અને લંડન શહેર, ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ (બેડફોર્ડ, સેન્ટ્રલ બેડફોર્ડ, મિલ્ટન કીન્સ, લુટન, પીટરબરો, હર્ટફર્ડશાયર, એસેક્સ (કોલ્ચેસ્ટર, અટલ્સફોર્ડ અને ટેન્ડરિંગને બાદ કરતાં)નો સમાવેશ થશે.

જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટના બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ‘’હું જાણું છું કે આ સમાચાર “નિરાશાજનક” છે પરંતુ હું માનુ છું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી. વાયરસ તેના હુમલાની રીતોમાં ફેરફાર કરે છે, ત્યારે આપણે આપણી સંરક્ષણની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. વિશ્લેષણ સૂચવે છે કે નવા લક્ષણો સાથેનો વાયરસનો રીપ્રોડક્શન (આર) રેટમાં 0.4 અથવા વધુનો વધારો કરી શકે છે. “નોંધપાત્ર અનિશ્ચિતતા” છે પણ જૂના કરતાં નવો વાયરસ 70% વધુ ટ્રાન્સમિસિબલ હોઈ શકે છે.

કોરોનાવાયરસ સંકટમાં નિશંકપણે આ મુશ્કેલ ક્ષણો હતી પરંતુ રસીના કારણે ઇસ્ટર સુધીમાં હાલત ધરમૂળથી અલગ હશે.’’
જોન્સને જણાવ્યું હતું કે ‘’રસીકરણ કાર્યક્રમના પ્રથમ બે અઠવાડિયામાં 350,000 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આવતા અઠવાડિયામાં જી.પી.ની આગેવાની હેઠળના રસીકરણ ક્લિનિક્સની સંખ્યામાં છ ગણો વધારો કરાશે. ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી બીજી રસીને મંજૂરી અપાયા બાદ સ્ટેડિયમો અને કોન્ફરન્સ સેન્ટરોમાં સામૂહિક રસીકરણ કેન્દ્રો સ્થાપવાનો માર્ગ મોકળો થઈ શકે છે. તે અઠવાડિયામાં બે મિલિયન લોકોને રસી અપાય તેવી શક્યતા છે. એક મહિનાની અંદર 65થી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપી દેવાશે.’’

તેમણે પુષ્ટિ આપી નથી કે પોલીસ તહેવારો દરમિયાન ઘરે જતા મુસાફરોને રોકશે કે ક્રિસમસના દિવસે લોકોના દરવાજા ખખડાવશે.
વેલ્સમાં ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે જાહેરાત કરી હતી કે વેલ્સમાં મધ્યરાત્રિથી લોકડાઉન અમલમાં આવશે. સ્કોટલેન્ડમાં કોવિડ પ્રતિબંધ ફક્ત ક્રિસમસ ડેના રોજ હળવા કરાશે, મેઈનલેન્ડ સ્કોટલેન્ડમાં બૉક્સિંગ ડેથી કડક પ્રતિબંધો રહેશે. યુકેના બાકીના ભાગોમાં પ્રવાસ પરનો પ્રતિબંધ પણ લાગુ થશે. નોર્ધર્ન આયર્લેન્ડમાં ક્રિસમસનાં પ્રતિબંધોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી, ત્રણ પરિવારોને તા. 23થી 27 ડિસેમ્બર સુધી મળવાની મંજૂરી આપવામાં આવી છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં તા. 26 ડિસેમ્બરથી છ અઠવાડિયાના લોકડાઉનનો આરંભ થશે.

સરકારે ક્રિસમસ માટેના કોવિડ નિયમોમાં અગાઉ આપેલી છૂટછાટ સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારો માટે રદ કરી છે. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ટિયર 1, 2 અને 3 વિસ્તારમાં રહેતા લોકો ફક્ત ક્રિસમસ ડે (તા. 25)ના રોજ ક્રિસમસ બબલ્સના લોકો સાથે મળી શકશે. આનો અર્થ એ છે કે તમારે તા. 26 ડિસેમ્બરથી તમારા સ્થાનિક ક્ષેત્રના નિયમોનું પાલન કરવું આવશ્યક છે, જેમાં ન્યૂ યર ઇવનો દિવસ (તા. 31)નો સમાવેશ થાય છે. આ પહેલા ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ક્રિસમસ પર્વ પ્રસંગે રીલેક્સ્ડ ઇન્ડોર મિક્સિંગના નિયમો પાંચ દિવસના હતા પરંતુ હવે તે માત્ર ક્રિસમસ ડે સુધી સિમિત રહેશે.

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર, પ્રો. ક્રિસ વ્હિટીએ ડાઉનિંગ સ્ટ્રીટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘’નવા લક્ષણો ધરાવતા કોરોના વાયરસથી સ્થિતિ વધુ ખરાબ થશે તો તેવા સંજોગોમાં રસી તેની વિરુદ્ધ કામ કરશે તેના આશાવાદ માટે અવકાશ છે. નવા પ્રકારના વાઈરસના કારણે મૃત્યુ દરમાં વધારાના હોલમાં પુરાવા નથી, રસી અને સારવાર તેને પણ અસર કરે છે. મને લાગે છે કે આ એક એવી પરિસ્થિતિ છે જેમાં સ્થિતિ વધુ બગડે તેમ છે, પરંતુ કેટલીક આશાવાદી બાબતો પણ છે જેમ કે રસી. તે કામ કરશે તેવી ધારણા છે.”
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે, લોકોને વિનંતી કરી હતી કે ક્રિસમસ વખતે તેઓ અન્ય લોકોને મળશે તો તેમને ચેપ લાગી શકે છે. લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “ક્રિસમસની યોજનાઓ રદ કરાતાં લાખો પરિવારોના દિલ તૂટી જશે.”
સરકારની રણનીતિની આકરી ટીકા કરનાર કોવિડ રીકવરી ગ્રુપ ઑફ ટોરી એમપીના અધ્યક્ષ માર્ક હાર્પરે પાર્લામેન્ટ પાછી બોલાવવાનું કહ્યું હતું જેથી સાંસદો આ બાબતે ચર્ચાઓ કરી શકે અને ફેરફારો અંગે મત આપી શકે. આ ખૂબ દુ:ખદ દિવસ છે. લૉકડાઉન અને વધુને વધુ તીવ્ર ટિયર્ડ પ્રતિબંધો કોવિડનું ટ્રાન્સમિશન ધીમું કરવાના તેમના લક્ષ્યમાં નિષ્ફળ ગયા છે.”

બ્રિટિશ ચેમ્બર્સ ઑફ કોમર્સના ડાયરેક્ટર જનરલ એડમ માર્શલે કહ્યું હતું કે, “ઘણા બિઝનેસીસ માટે ક્રિસમસ પહેલેથી જ રદ કરાઇ હતી, પરંતુ છેલ્લી મિનિટના આ નિર્ણયના પરિણામે હવે વધારે ખરાબ પરિણામો ભોગવવા પડશે. કંપનીઓના કેશ ફ્લો પ્રોજેક્શન્સ માટે ફરી એકવાર અંધાધૂંધીની સ્થિતિ છે, સરકાર તેના માટે શું ટેકો આપશે?”

એનએચએસ પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપ્સને કહ્યું કે ‘’હોસ્પિટલ ટ્રસ્ટના વડાઓ ચેપના દરને કાબૂમાં લેવા માટે કડક પ્રતિબંધ ઇચ્છતા હતા અને ફેરફારોને “અનિવાર્ય” ગણાવ્યા હતા.’’