." (Photo by Jack Hill - WPA Pool/Getty Images)

અર્થતંત્ર પર લોકડાઉન પ્રતિબંધોની અસર અંગે વધતી ચિંતાઓ વચ્ચે નોકરીઓના નુકસાનને રોકવાનાં પગલાં તરીકે ફર્લો યોજના એપ્રિલના અંત સુધી લંબાવવાની ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી છે. આ યોજનાથી સરકાર પર £5 બિલીયનનો ખર્ચ થવાની ધારણા છે. મોટા પ્રમાણમાં રીડન્ડન્સી થાય તેવા ભય વચ્ચે સરકારે આ યોજનાની સમીક્ષા રદ કરી હતી, જે જાન્યુઆરીના મધ્યમાં થવાની હતી.
ઋષિ સુનકે જણાવ્યું હતું કે તેઓ બિઝનેસીસને નિશ્ચિતતા અને સ્પષ્ટતા આપવા માગે છે પરંતુ આ નિર્ણય ખૂબ મોડો લેવાયો તેનાથી તેમની ટીકા થઈ હતી. આ યોજના હેઠળ કર્મચારીને સરકાર મહિનાના મહત્તમ £2,500 કે પગારના 80 ટકા સુધી ચૂકવવા માટે એમ્પલોયર્સને સબસિડી આપે છે.

ઇંગ્લેન્ડના સાઉથ અને સાઉથ ઇસ્ટ વિસ્તારના 4.2 મિલિયન લોકોને ટિયર 3 પ્રતિબંધો હેઠળ રાખવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે વસ્તીના બે તૃતીયાંશ, એટલે કે લગભગ 37 મિલિયન લોકો, હવે ટિયર 3 હેઠળ જીવે છે, જેમાં પબ અને રેસ્ટૉરન્ટ બંધ થવાનો સમાવેશ થાય છે.ડાઉનિંગ સ્ટ્રીટે વાયરસને નિયંત્રણમાં લાવવા ક્રિસમસ પછી ત્રીજુ લોકડાઉન કરવાનો ઇનકાર કર્યો હતો. ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીએ ગયા મહિને કહ્યું હતું કે તેને ફર્લો યોજના થકી £62.5 બિલીયનનો ખર્ચો થવાની અપેક્ષા છે. એક મહિનાના વિસ્તરણ માટે વધારાના £5 બિલીયનનો ખર્ચો થવાની સંભાવના છે. ચાન્સેલરે પુષ્ટિ આપી હતી કે તેમનું બજેટ તા. 3 માર્ચે થશે અને તેનો ઉપયોગ તેમની આર્થિક રીકવરી યોજનાના આગામી તબક્કાને નક્કી કરવા માટે કરશે.

સુનકે કહ્યું હતું કે “બિઝનેસીસ અને કામદારો માટેનું અમારું સમર્થનનું પેકેજ વિશ્વનું સૌથી ઉદાર અને અસરકારક પૈકીનું એક છે, જે આપણા અર્થતંત્રને દેશભરમાં આજીવિકાને પુન સ્થાપિત કરવામાં અને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ એમ્પ્લોયરોએ ફક્ત નેશનલ ઇન્સ્યોરંશ અને પેન્શન યોગદાન ચૂકવવાનું રહેશે.

કુલપતિ કર વધારવાની વિચારણા કરી રહ્યા હતા પરંતુ ટોરી સાંસદો અને મંત્રીઓને ચિંતા છે કે આવું કરવાથી અર્થતંત્ર માટેના અનિશ્ચિત સમયે વૃદ્ધિને નુકસાન થાય છે. એક સરકારી સ્ત્રોતે જણાવ્યું હતું કે કર વધારવાના કોઈપણ નિર્ણય ઓક્સફર્ડ / એસ્ટ્રાજેનેકા રસીને નિયમિત મંજૂરી મળવાની સંભાવના પર આધારીત હશે.