British Asian Trust Prince Charles

બ્રિટીશ એશિયન ટ્રસ્ટ દ્વારા ભંડોળ ઉભું કરવા માટે શરૂ કરવામાં આવેલ ‘પેલેસિસ ઓન વ્હિલ્સ’ સાયકલિંગ ઇવેન્ટની બ્રિટીશ એશિયન ટ્રસ્ટના રોયલ ફાઉન્ડિંગ પેટ્રન પ્રિન્સ ઑફ વેલ્સે જાતે સાયકલ પર સવાર થઇને  30થી વધુ સાયકલ સવારોની આગેવાની લઇ શરૂઆત કરી તેમના  હાઈગ્રોવ ખાતેના નિવાસેથી વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં 30 સાયકલ સવારો 250 માઇલના માર્ગ પર આવતા યુકેના કેટલાક આઇકોનિક રોયલ હાઉસહોલ્ડ્સ અને મહેલોને ચાર દિવસ દરમિયાન આવરી લઇ તેની મુલાકાત લેશે.

પ્રિન્સ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસડર અને અભિનેતા સંજીવ ભાસ્કર સાથે જોડાયા હતા, અને સાઇકલ સવારોને તેમજ ટ્રસ્ટના અગ્રણીઓને હાઈગ્રોવ ખાતે મળ્યા હતા. બકિંગહામ પેલેસ, વિન્ડસર કાસલ, આઇકોનિક લેન્ડમાર્ક્સ, નેચરલ ટ્રેઝર્સ અને ગ્રામિણ સ્થળોનો સમાવેશ કરતી યાત્રા માટે શુભેચ્છાઓ આપી હતી. સાયકલીસ્ટ  ફંડરેઇઝર્સને પરંપરાગત રીતે ભારતીય ઢોલ-ત્રાંસા વગાડી હાઇગ્રોવથી વિદાય આપવામાં આવી હતી.

સંજીવ ભાસ્કરે કહ્યું: “અહીં હાજર રહી બ્રિટીશ એશિયન ટ્રસ્ટની આ પહેલને ટેકો આપવો તે સન્માનજનક છે. હું પેલેસિસ ઓન વ્હિલ્સમાં ભાગ લેનારા તેજસ્વી જૂથના સમર્થકોના મોટા પડકારથી પ્રભાવિત છું, જેઓ દક્ષિણ એશિયામાં ટ્રસ્ટના મહત્વપૂર્ણ કામ માટે નાણાં એકત્ર કરવા દોડી રહ્યા છે. પ્રિન્સ ઑફ વેલ્સ જાતે જ સાયકલ ચલાવી આગેવાની લઇ રહ્યા છે તેથી પ્રભાવિત છું.”

બ્રિટીશ એશિયન ટ્રસ્ટના સમર્થક, કાર્યક્રમના સ્થાપક અને ટીમનું નેતૃત્વ કરતાં રોહિત ચઢ્ઢાએ કહ્યું હતું કે “બધા સાયકલ સવાર, દાતાઓ, પ્રાયોજકો વતી, અમે વાસ્તવિક જરૂરિયાત ધરાવતા લોકોના જીવનમાં ફેરફાર કરવાની વિશેષ સ્થિતિમાં છીએ. પ્રિન્સ ઑફ વેલ્સના સમર્થનથી અમે અત્યાર સુધીમાં £1 મિલિયનથી વધુની રકમ એકત્ર કરી છે. પેલેસિસ ઓન વ્હિલ્સ દ્વારા અમે નોંધપાત્ર રકમ તેમાં ઉમેરવાની આશા રાખીએ છીએ.’’

હાઈગ્રોવથી આ યાત્રા ઓક્સફર્ડ, વિન્ડસર કાસલ, લંડનના બકિંગહામ પેલેસ જશે. બીજો દિવસે પ્રખ્યાત ટાવર ઓફ લંડનથી શરૂ થઇ કેમ્બ્રિજ જશે અને તેનું સમાપન આઇકોનિક સેન્ડ્રિંગહામ ખાતે થશે. આ સાયકલ યાત્રા થકી એકત્રિત કરાયેલા ભંડોળથી કોવિડ-19 દ્વારા જેમનું જીવન બરબાદ થયું છે તેવા લાખો ગરીબ લોકોની મદદ કરાશે. આ અગાઉ પણ બ્રિટીશ એશિયન ટ્રસ્ટના નેજા હેઠળ બ્રિટિશ સાયકલ સવારોએ શ્રીલંકા, ભારત, ટાન્ઝાનિયા અને કંબોડિયાની યાત્રા કરી હતી. આ વર્ષે પ્રથમ વખત યુકેમાં સાઇકલ યાત્રા થઇ રહી છે.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ હૉકસે કહ્યું હતું કે “બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ઉત્સાહી સમર્થકોની ટીમની આ બીજી એક વિશિષ્ટ પહેલ છે. ‘પેલેસિસ ઑન વ્હીલ્સ’ એક અનોખી તક છે જે દેશના કેટલાક શાહી લેન્ડમાર્ક્સ ખાતે જઇને દક્ષિણ એશિયાના સૌથી સંવેદનશીલ સમુદાયો માટે નાણાં એકત્રિત કરશે.”

ચાર દિવસ દરમિયાન સાયકલ સવારો સાથે બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સેલિબ્રિટી એમ્બેસડર જોડાશે અને વિવિધ રોકાણો દરમિયાન તેમનો ઉત્સાહ વધારશે. તો એમ્બેસડર અને બીબીસી રેડિયો 5 લાઈવ પ્રેઝન્ટર નિહલ આર્થનાયક સાયકલ ચલાવી ભાગ લેશે. કાર્યક્રમના

ઇવેન્ટને ગલ્ફ, લક્ઝ્લો, વાઇટાબાયોટિક્સ, ઇનબ્રીટ, હેફિલ્ડ હોમ્સ, સ્ક્વાયર એન્ડ પાર્ટનર્સ, કર્ઝન પીઆર, એમએસએમ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એસ.એ., જે હેવર્ડ એન્ડ સન, કોર્ટહાઉસ હોટલ, બિઝનેસ ગ્રીન નેટઝિરો, ટ્રસ્ટેડ રિવ્યુઝ, મલબેરી, એક્સિયન, લુમા, એડવિન કો, લી વેલી, સ્ટોરસેફ અને વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિ. દ્વારા સ્પોન્સર્ડ કરાઇ છે.

લક્ઝ્લોના મેનેજિંગ ડિરેક્ટર અને “પેલેસિસ ઓન વ્હિલ્સ”મં ભાગ લઇ રહેલા ટ્રસ્ટના સમર્થક રોહિત ચઢ્ઢાએ £1 મિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રોહિતે વર્ષ 2016માં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. રોહિતે જે ભંડોળ એકઠું કર્યું છે તેનાથી મહિલા સશક્તિકરણ, વંચિત બાળકોને શિક્ષણ, બાળ તસ્કરી સામે લડવામાં અને માનસિક સ્વાસ્થ્યને દક્ષિણ એશિયામાં સમર્થન આપવામાં મદદ મળી છે.