પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવા આઇટી નિયમોનું પાલન ન કરવા બદલ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે ભારતમાં સેફ હાર્બર (કાનૂની સુરક્ષા) ગુમાવ્યું છે. હવે કોઇ ત્રાહિત પક્ષ ગેરકાયદેસર કન્ટેન્ટ ટ્વીટર પર મુકશે તો ભારતીય દંડ સંહિતા (આઇપીસી) હેઠળ આ પ્લેટફોર્મ પણ જવાબદાર ગણાશે. ટ્વીટર સામે પણ હવે IPC હેઠળ કેસ નોંધાઈ શકશે અને પોલીસ પૂછપરછ પણ કરી શકશે. ઉત્તરપ્રદેશની પોલીસે એક વિડિયો સર્ક્યુલેટ કરવાના મુદ્દે ટ્વીટર, એક ન્યૂઝ પોર્ટલ અને બીજા છ વ્યક્તિ સામે કેસ પણ નોંધ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં સરકારે નવા આઇટી નિયમોનું પાલન કરવા ટ્વીટરને છેલ્લી તક આપી હતી. સરકારના નવા આઇટી નિયમો 26મે 2021થી અમલી બન્યાં છે. સરકારે કડક ચેતવણી આપી હતી કે જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો આઇટી ધારા હેઠળ જવાબદારમાંથી મુક્તિ મળશે નહીં.

સત્તાવાર સૂત્રોએ પુષ્ટી આપી હતી કે ટ્વીટરે સેફ હાર્બર કવચ ગુમાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્વીટરે 26 મે 2021થી જ ઇન્ટરમેડિયરીનો દરજ્જો અને કાનૂની કવચ ગુમાવ્યું છે. નવા આઇટી નિયમોનું પાલન ન કરવા બીજા તમામ સોસિયલ મીડિયા પ્લેટફોર્મેનું કાનૂની કવચ પણ દૂર થયું છે.

સરકારે અને ટ્વીટર વચ્ચે છેલ્લાં કેટલાંક મહિનાથી વિવાદ ચાલે છે. ખેડૂતોના આંદોલન દરમિયાન આ વિવાદ ચાલુ થયો હતો. ટ્વીટર સત્તાધારી ભાજપના કેટલાંક નેતાઓની પોલિટિકલ પોસ્ટને પણ મેનિપ્યુલેટિવ મીડિયાનો ટેગ આપ્યો હતો. ટ્વીટર આઇટી નિયમોનું પાલન કરવામાં વિલંબ કરતાં વિવાદ વધુ વકર્યો હતો. નવા આઇટી નિયમો મુજબ મોટા ડિજિટલ પ્લેટફોર્મે ગ્રીવન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણુક કરવી પડે છે અને આ અધિકારીઓ ભારતના નિવાસી હોવા જોઇએ.

ઇન્ટરમેડિયરીનો દરજ્જો ગુમાવવા અંગે ટ્વીટરની કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. ટ્વીટરે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસરની નિમણુક કરી છે અને તેની વિગતો ટૂંકસમયમાં આઇટી મંત્રાલયને આપવામાં આવશે. ભારતમાં ટ્વીટરના યુઝર્સની સંખ્યા 1.75 કરોડ હોવાનો અંદાજ છે.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે ટ્વીટર ઈન્ડિયા અને 2 કોંગ્રેસ નેતા સહિત 9 લોકોની વિરુદ્ધ FIR દાખલ કરી હતી.. FIR મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં નોંધાઈ છે. ટ્વીટર પર આરોપ છે કે તેણે આ પ્રકારના વીડિયો પર કોઈ કાર્યવાહી કરી નથી. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે પોલીસ દ્વારા મામલો સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા પછી ટ્વિટરે ખોટા ટ્વીટને હટાવવા માટે કોઈ પગલુ ભર્યું નથી. પોલીસે ટ્વીટર ઇન્ક, ટ્વીટર કમ્યુનિકેશન્સ ઇન્ડિયા ન્યૂઝ વેબસાઇટ ધ વાયર, જર્નાલિસ્ટ મોહમ્મદ ઝુબેર અને રાણા અય્યુબ સામે એફઆઇઆર દાખલ કરી છે.