MP Nusrat Ghani (C) during a demonstration. (Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

કન્ઝર્વેટિવ પાર્ટીના પાકિસ્તાની મૂળના સંસદ સભ્ય નુસરત ગનીએ તેઓ મુસ્લિમ ધર્મ પાળતા હોવાના કારણે તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા હતા તેવો ચોંકાવનારો દાવો કર્યો છે. આ દાવા અંગે વડા પ્રધાન બોરિસ જૉન્સને સોમવારે આંતરિક કેબિનેટ ઑફિસ તપાસનો આદેશ આપ્યો હતો.

‘સન્ડે ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં બ્રિટનના પ્રથમ મહિલા મુસ્લિમ મંત્રી 49 વર્ષીય નુસરતે કહ્યું હતું કે ‘’ફેબ્રુઆરી 2020માં પાર્ટીના વ્હિપ્સ એટલે કે પક્ષના શિસ્ત અંગેના પ્રભારીએ સાંસદો સાથેની મંત્રીઓની ફેરબદલ પછીની મીટિંગમાં તેણીને કહ્યું હતું કે તેણી મુસ્લિમ ધર્મની હોવાના કારણે બાબત ઉછળી રહી છે. એક ‘મુસ્લિમ મહિલા મંત્રી’નું સ્ટેટસ સાથીદારોને અસ્વસ્થ કરી રહ્યુ હતું”.

ચીફ ટોરી વ્હીપ માર્ક સ્પેન્સરે કહ્યું હતું કે “આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને હું તેને માનહાનિકારક માનું છું. મેં ક્યારેય તે શબ્દોનો ઉપયોગ કર્યો નથી.”

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ આક્ષેપો પ્રથમ વખત કરાયા ત્યારે જ વડા પ્રધાને તેણીને ભલામણ કરી હતી કે તે કંઝર્વેટિવ કેમ્પેઈન હેડક્વાર્ટર (CCHQ)ને ઔપચારિક ફરિયાદ કરે. પણ તેણીએ આ ઓફર સ્વીકારી ન હતી. વડા પ્રધાને હવે અધિકારીઓને શું થયું હતું તે વિશે હકીકતો સ્થાપિત કરવા કહ્યું છે. વડા પ્રધાન આ દાવાઓને ખૂબ ગંભીરતાથી લે છે.”

ગનીએ ટ્વિટર પર એક નિવેદનમાં તપાસનું સ્વાગત કરતાં કહ્યું હતું કે “મેં ગઈકાલે રાત્રે વડા પ્રધાનને કહ્યું હતું અને હું ઇચ્છું છું કે આને ગંભીરતાથી લેવામાં આવે અને તેઓ તપાસ કરે.”

કન્ઝર્વેટિવ પાર્ટીએ અગાઉ પણ ઇસ્લામોફોબિયાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો, અને ગયા વર્ષે મે મહિનામાં એક અહેવાલમાં મુસ્લિમો સામેના ભેદભાવની ફરિયાદો અંગે ટીકા કરવામાં આવી હતી. તો બોરિસ જૉન્સને એક અખબારની કૉલમમાં બુરખા પહેરેલી મહિલાઓને “લેટરબોક્સની જેમ ફરતી ફરતી” ગણાવી હતી.