ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર અને મૂળ અમદાવાદના રહેવાસી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેર કરેલા વન-ડે રેન્કિંગમાં મોખરાનું સ્થાન ગુમાવ્યું છે. ન્યૂઝીલેન્ડની સામેની સીરિઝમાં ખરાબ પ્રદર્શનને કારણે બુમરાહના પોઈન્ટ્સ ઘટ્યા છે. તે ત્રણ વન-ડેની સીરિઝમાં એક વિકેટ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યો હતો અને ન્યૂઝીલેન્ડે સીરિઝમાં ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. બુમરાહને હવે 719 પોઈન્ટ્સ સાથે વિશ્વના બીજા નંબરનું સ્થાન મળ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 727 પોઈન્ટ્સ સાથે બુમરાહનું નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આશ્ચર્યજનક રીતે અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહેમાન અને સાઉથ આફ્રિકાના કગીસો રબાડાને અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન મળ્યું છે. પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ અને ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સ, પાકિસ્તાનના મોહમ્મદ આમિર અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને અનુક્રમે 6, 7 અને 8મો ક્રમ પ્રાપ્ત થયો છે. જ્યારે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસનને નવમું અને દસમું સ્થાન મળ્યું છે.
ઇજા બાદ બુમરાહે રમતમાં વાપસી કર્યા પછી છેલ્લી છ વનડેમાં માત્ર એક વિકેટ લીધી હતી. ઈજાગ્રસ્ત થતા પહેલા તેણે છ વનડેમાં 13 વિકેટ ખેરવી હતી. આ દરમિયાન તેણે 56 ઓવરમાં 223 રન આપ્યા હતા. તે સમયે બુમરાહ દર 26 બોલે વિકેટ લેતો હતો. તેની સરખામણીએ તે અત્યારે દર 337 બોલે ફક્ત એક જ વિકેટ ખેરવી છે.