(ANI Photo)

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માનો વિઝડન ક્રિકેટર્સ અલ્માનાકની ૨૦૨૨ની એડિશનમાં ‘ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યર’માં સમાવેશ કરાયો છે. ઈંગ્લેન્ડના વિદાય લઈ ચૂકેલા સુકાની જો રુટને વિશ્વનો ટોચનો પ્લેયર જાહેર કરાયો છે. રુટે ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૧૭૦૮ રન કર્યા હતા અને ટીમના કંગાળ દેખાવ સામે રુટના શાનદાર દેખાવની નોંધ વિઝડને લીધી હતી.

વિઝડન ક્રિકેટર્સ અલ્માનાકની ૨૦૨૨ની એડિશનમાં ‘ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યર’માં બુમરાહ અને રોહિતની સાથે સાથે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોન્વે, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર ડેન વાન નિકેર્કનો સમાવેશ કરાયો છે.

સાઉથ આફ્રિકાની મહિલા બેટ્ટર લિઝેલે લીને વિશ્વની ટોચની મહિલા ક્રિકેટર તરીકેનું સન્માન અપાયું છે, તો પાકિસ્તાનના વિકેટકિપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ટી-૨૦નો ટોચનો ખેલાડી જાહેર કરાયો છે.

ભારતની ટીમ ગત ઉનાળામાં ઈંગ્લેન્ડ પ્રવાસે આવી હતી ત્યારે બુમરાહે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે લોર્ડ્ઝમાં ભારતના ઐતિહાસિક વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઓવલમાં તેનો સ્પેલ મેચ વિનિંગ રહ્યો હતો. તે શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે અને શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ આ વર્ષે રમાવાની છે. વિઝડને બુમરાહને બિરદાવતા લખ્યું છે કે, ગત ઉનાળામાં ભારતના બે વિજયનો મુખ્ય આધાર બુમરાહ હતો. લોર્ડ્ઝમાં તેણે આખરી બપોરના સેશનમાં ૩૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઓવલમાં તેણે રોમાંચક બોલિંગ કરતાં સતત બે ઓવરમાં ઓલી પોપ અને બેરેસ્ટોની વિકેટ ઝડપી ટીમને વિજયના માર્ગે આગળ ધપાવી હતી. વિઝડનના સંપાદક લોરેન્સ બૂથે લખ્યું કે, પ્રથમ ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં આખરી દિવસ ધોવાયો ન હોત તો નવ વિકેટ ઝડપી ચૂકેલો બુમરાહ ટીમને વિજયી બનાવી શકે તેમ હતો. તેણે ચાર ટેસ્ટમાં ૧૮ વિકેટ ઝડપી હતી અને તેની સરેરાશ ૨૦ની હતી. આ ઉપરાંત તેણે પૂંછડિયા બેટ્સમેન તરીકે અનપેક્ષિત અને ઉપયોગી રન  કર્યા હતા.