ભારતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન, કોંગ્રેસના સીનિયર આગેવાન અને દલિતોના મસીહા સરદાર બુટા સિંહનું શનિવારે સવારે નવી દિલ્હીની એઇમ્સમાં અવસાન થયું હતું. તેમને હેમરેજ થવાના કારણે તેઓ ઓક્ટોબર મહિનાથી કોમામાં હતા. તેમની ઉંમર 86 વર્ષની હતી. આઠ વખત સાંસદ બનેલા બુટા સિંહ ઇન્દિરા ગાંધીની સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા. 1934માં જન્મેલા બુટા સિંહના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બુટા સિંહ નિવૃત્ત જીવન ગાળતા હતા. પંડિત જવાહર લાલ નહેરુ અને ઇંદિરા ગાંધીના વિશ્વાસુ નેતા ગણાતા બુટા સિંહે ભારત સરકારમાં ગૃહ પ્રધાન, કૃષિ પ્રધાન, રેલવે પ્રધાન, રમતગમત પ્રધાન અને બીજા કેટલાંક વિભાગની જવાબદારી સંભાળી હતી. ઉપરાંત તેઓ બિહારના રાજ્યપાલ પણ હતા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના ચેરમેન તરીકે તેમણે સારી કામગીરી કરી હોવાથી તેમને દલિતોના મસીહાનું બિરુદ મળ્યું હતું.
જુન 1975માં ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી પછી 1977માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી પક્ષ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો ત્યારે બુટા સિંહે ઇન્દિરા ગાંધીને સાથ આપ્યો હતો. પક્ષના મહામંત્રી તરીકે સખત મહેનત કરીને તેમણે કોંગ્રેસને 1980માં ફરી વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ઇન્દિરા ગાંધીની હત્યા પછીના સમયમાં ધીરેધીરે બુટા સિંહ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.