બ્રિટનથી ગુજરાત પહોંચેલા ચાર પ્રવાસીઓમાં કોવિડ-19નો સ્ટ્રેઇન જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય દર્દીઓને અમદાવાદની સરદાર વલ્લભભાઇ પટેલ (SVP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામની માર્ગદર્શિકા પ્રમાણે સારવાર ચાલી રહી છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતી રવિએ જણાવ્યું કે, બ્રિટનમાં જે નવી સ્ટ્રેઇન છે તેનું એરપોર્ટ પર સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી ચાર પ્રવાસીઓને SVPમાં સારવાર હેઠળ છે. જ્યારે 15 સેમ્પલનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે. તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે. બ્રિટનથી આવેલા લોકોના સેમ્પલને પૂણેની લેબમાં મોકલ્યા હતા, જેમા ચાર પ્રવાસીઓ પોઝિટિવ જણાયા છે. કોવિડના આ નવા સ્ટ્રેઇનમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 23 ડિસેમ્વરે 175 મુસાફરો લંડનથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા હતા અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં પણ બ્રિટનથી આવેલા યુવાન અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવાય છે. આથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને પરિવારના સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.